ફ્લાઈદુબઈના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા હુમલા બાદ તેમના સ્વાસ્થ્યને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રાજદૂત દીપક મિત્તલે જણાવ્યું છે કે કેપ્ટન સ્મિત સારી રીતે રિકવર થઈ રહ્યા છે અને તેમનો ઉત્સાહ પણ સારો છે. ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ અને સ્મિતના પરિવારના સતત સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

અબુ ધાબીના BAPS મંદિરમાં ખાસ પ્રાર્થના

કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપથી સ્વસ્થ થવા માટે અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરમાં ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. મંદિરના સ્વામી અને ભક્તો એકઠા થયા હતા અને સ્મિતની હિંમત તથા બહાદુરીને યાદ કરીને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. BAPSએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતાં કહ્યું કે તેમની પ્રાર્થનાઓ કેપ્ટન સ્મિત સાથે છે.

https://x.com/d_mittal73/status/2106729462490689861?s=20

હુમલા બાદ સ્મિતે દેખાડી હતી હિંમત

30 સપ્ટેમ્બરે ફ્લાઈદુબઈની ફ્લાઈટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી ત્યારે કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર તેમના કો-પાયલટે હુમલો કર્યો હતો. આ ઘટનામાં સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિમાનમાં 174 લોકો સવાર હતા. હુમલા બાદ વિમાને મોટી મુશ્કેલીનો સામનો કર્યો હતો અને સ્મિતે ગંભીર ઈજાઓ વચ્ચે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ મુસાફરો અને ક્રૂએ હુમલાખોરને કાબૂમાં લીધો અને વિમાનને સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

પહેલા સાઉદી અરેબિયા, પછી અબુ ધાબી લવાયા

ઘટના બાદ સ્મિતને શરૂઆતમાં સાઉદી અરેબિયાના તબુકમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અબુ ધાબી ખસેડવામાં આવ્યા હતા. 1 ઓક્ટોબરે ભારતીય રાજદૂત દીપક મિત્તલે હોસ્પિટલમાં સ્મિત અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. તે સમયે પણ દૂતાવાસે જણાવ્યું હતું કે સ્મિતની તબિયત સારી છે અને તેઓ રિકવર થઈ રહ્યા છે. રાજદૂતના જણાવ્યા મુજબ સ્મિત વાત કરી રહ્યા હતા, હસી રહ્યા હતા અને તેમનો ઉત્સાહ પણ સારો હતો.

PM મોદી સાથે પણ કરી હતી વાત

2 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. સ્મિતે તેમને હુમલાની ઘટના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તે સમયે તેમને લાગ્યું કે વિમાન નીચે જઈ રહ્યું છે અને તેમણે કોઈપણ રીતે કોકપિટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. મોદીએ સ્મિતની હિંમતની પ્રશંસા કરી હતી.

ગુજરાત સરકાર પણ કરશે સન્માન

કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને ગુજરાત સરકારે પણ બિરદાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ આપવાની જાહેરાત કરી છે. આ સન્માન સ્મિત સ્વસ્થ થયા બાદ ખાસ કાર્યક્રમમાં આપવામાં આવશે. ગુજરાત સરકારે તેમના માટે ₹25 લાખના રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે.

હાલ કેપ્ટન સ્મિત મચ્છર અબુ ધાબીમાં સારવાર હેઠળ છે અને તાજા અપડેટ મુજબ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેમના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે ભારત અને વિદેશમાં લોકો સતત પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો: વેપારીઓ માટે મોટી ખબર, GSTના ક્રિમિનલ નિયમોમાં મોટા બદલાવની તૈયારી