જાણીતા અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીને પશ્ચિમ બંગાળ સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામા અનુસાર, તેમને માહિતી અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમને કેબિનેટ મંત્રીનો હોદ્દો પણ આપવામાં આવ્યો છે. મુખ્ય સચિવ મનોજ કુમાર અગ્રવાલના હસ્તાક્ષર સાથે જાહેર કરાયેલા આ આદેશની જાણ સંબંધિત તમામ વિભાગોને કરી દેવામાં આવી છે.
સુવેન્દુ સરકારમાં મિથુન ચક્રવર્તીની મુખ્ય ભૂમિકા
મિથુન ચક્રવર્તી લાંબા સમયથી બંગાળના રાજકારણમાં સક્રિય છે. હવે તેઓ માહિતી અને સાંસ્કૃતિક બાબતોના વિભાગમાં સલાહકાર તરીકેની ભૂમિકા ભજવશે, જે રાજ્યમાં સંસ્કૃતિ, કલા, મનોરંજન અને માહિતી સંબંધિત બાબતોનું નિરીક્ષણ કરે છે. હાલમાં આ વિભાગ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી હસ્તક છે. નોંધનીય છે કે મિથુન ચક્રવર્તીએ અગાઉ સુવેન્દુ અધિકારીને બંગાળના શ્રેષ્ઠ મુખ્યમંત્રી ગણાવ્યા હતા, જેના આધારે તાજેતરમાં મુખ્યમંત્રીએ મિથુનને આ મહત્વનું પદ સોંપવાની જાહેરાત કરી હતી.
અમાન્ય મદરેસાઓ બંધ કરવાના નિર્ણયનું કર્યું સમર્થન
તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીએ બંગાળમાં ગેરકાયદે કે અમાન્ય (Unrecognized) મદરેસાઓ સામેના કડક વહીવટી પગલાંનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને તેમણે રાજ્યમાં ૨૫૦થી વધુ અમાન્ય મદરેસાઓ બંધ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો તથા અન્ય ૧૦૦થી વધુ મદરેસાઓને અપાયેલી નોટિસને વ્યાજબી ગણાવી હતી.
લઘુમતી સંસ્થાઓના ફંડિંગ પર ઉઠાવ્યા સવાલ
મિથુન ચક્રવર્તીએ લઘુમતી શિક્ષણ સંસ્થાઓના નાણાકીય સ્ત્રોતો પર સવાલો ઉઠાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સંસ્થાઓના ફંડિંગ પેટર્નની યોગ્ય તપાસ થવી અત્યંત જરૂરી છે. આ ભંડોળનો ઉપયોગ સાચા અને યોગ્ય હેતુઓ માટે થઈ રહ્યો છે કે નહીં તે જાણવું રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : Nana Patekar Last Message : નાના પાટેકરના નિધન પહેલાં શું થયું? રાત્રે 2:30 વાગ્યે મિત્રને કર્યો હતો મેસેજ, સવારે મળી આવ્યા બેભાન