મુંબઈમાં એક્ટર ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગના કેસમાં શુક્રવારે એ સમયે બધાનું ધ્યાન આરોપી રાધા પર ગયું, જ્યારે તે કોર્ટમાં રડવા લાગી. મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી શરૂ થતાં પહેલાં રાધા ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી જોવા મળી હતી. રાધાને અન્ય 3 આરોપીઓ બબીતા, કુનાલ અને સુમિત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

હથિયાર સપ્લાય કરવાનો અને લોજિસ્ટિક મદદ આપવાનો આરોપ

આ ચારેય પર ફાયરિંગમાં સામેલ આરોપીઓને હથિયાર પૂરા પાડવાનો અને લોજિસ્ટિક મદદ આપવાનો આરોપ છે. અદાલતે આરોપીઓને 26 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આના એક દિવસ પહેલાં કોર્ટે ફાયરિંગ કરનારા 3 શૂટરોને પણ પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા હતા. પોલીસ આ તમામ આરોપીઓને રિમાન્ડ પર લઈને આ સમગ્ર ગોળીબાર પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરશે.

હથિયારોની રિકવરી માટે પૂછપરછ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં હથિયારોની સપ્લાય અને હુમલાના ષડયંત્રની તપાસ કરી રહી છે. પોલીસનો આરોપ છે કે રાધા અને બબીતાએ હથિયારો મુંબઈ પહોંચાડીને હુમલાખોરો સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ ગુનામાં વપરાયેલા હથિયારો હજુ સુધી મળ્યા નથી. પોલીસ આ બાબતે આરોપીઓની પૂછપરછ કરવા માંગે છે.

વિદેશમાં બેઠેલા અનિલ પંડિત પર એક્શનની તૈયારી!

બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 ઉમેરી છે, જે સંગઠિત ગુના સાથે જોડાયેલી છે. પોલીસનો આરોપ છે કે આ હુમલો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા અનિલ પંડિતના કહેવા પર કરવામાં આવ્યો હતો. પોલીસે પોતાની રિમાન્ડ અરજીમાં અનિલ પંડિતને ફરાર આરોપી ગણાવ્યો છે. એટલે કે હવે વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર અનિલ પંડિત પર પણ સકંજો કસવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

શું છે BNS ની કલમ 111?

BNS ની કલમ 111 સંગઠિત ગુના સાથે જોડાયેલી છે. આ અંતર્ગત કોઈ વ્યક્તિ કે સંગઠિત ક્રાઈમ સિન્ડિકેટના 2 કે તેથી વધુ સભ્યો દ્વારા સતત ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવા અને હિંસા, ધમકી, દબાણ કે ડરનો ઉપયોગ કરવા જેવા પાસાઓની તપાસ થઈ શકે છે. આ કલમ ઉમેર્યા પછી કેસમાં ઓર્ગેનાઇઝ્ડ નેટવર્કની ભૂમિકાની તપાસ મહત્વની બની ગઈ છે.

બચાવ પક્ષે પોલીસ કસ્ટડીનો કર્યો વિરોધ

આરોપીઓના વકીલ સત્યવ્રત જોશી અને અજિંક્ય મિરગલે પોલીસ કસ્ટડીની માગનો વિરોધ કર્યો હતો. બચાવ પક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આરોપીઓની કયા આધારે ધરપકડ કરી અને તેમની સામે કયા નિવેદનો કે પુરાવા છે. વકીલોએ દલીલ કરી હતી કે ટ્રાન્ઝિટ રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ થઈ ચૂકી છે અને 2 આરોપીઓ મહિલાઓ છે.

26 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી

પોલીસનું કહેવું છે કે કેસમાં હથિયારો કબજે કરવા અને ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે પૂછપરછ જરૂરી છે. નવી માહિતી મુજબ આરોપીઓને 26 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર થયો હતો. એક્ટર સુરક્ષિત બચી ગયા હતા, જ્યારે તેમના ડ્રાઇવર અને એક અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ક્રાઈમ બ્રાન્ચ હવે આ મામલે કથિત સંગઠિત ગુના નેટવર્ક અને અનિલ પંડિતની ભૂમિકાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો-Rajinikanth : જેલર 2નો દબદબો! દ્રશ્યમ 3 નો ખેલ ખતમ, ઓવરસીઝ કલેક્શન 200 કરોડ પાર...