સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ માર્કંડેય કાટજુએ ભારતીય બંધારણને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમણે ભારતીય બંધારણને છેતરપિંડી, દેખાડો અને ઠગાઈ ગણાવ્યું છે. કાટજુના મતે, બંધારણનો હેતુ ભારતીય લોકોને ગેરમાર્ગે દોરવાનો અને મૂર્ખ બનાવવાનો છે. તેમણે એમ પણ જણાવ્યું કે દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાતા બંધારણ દિવસના કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટ તરફથી આમંત્રણ મળવા છતાં તેઓ ક્યારેય હાજરી આપતા નથી.

આ વ્યવસ્થાનો હેતુ ભારતીય લોકોને છેતરવાનો 

જસ્ટિસ માર્કંડેય કાટજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.તેમણે લખ્યું કે ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ તરીકે તેમને દર વર્ષે ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા બંધારણ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવે છે.આ કાર્યક્રમમાં સામાન્ય રીતે રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે હાજર રહે છે.આ ઉપરાંત મુખ્ય ન્યાયાધીશ,સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો,કેન્દ્રીય કાયદા મંત્રી અને એટર્ની જનરલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે છે.જોકે,કાટજુએ કહ્યું કે તેઓ ક્યારેય આ કાર્યક્રમમાં જતા નથી.કારણ આપતાં તેમણે ભારતીય બંધારણને છેતરપિંડી,ચાલાકી,દેખાડો અને ઠગાઈ ગણાવ્યું હતું.તેમના મતે,આ વ્યવસ્થાનો હેતુ ભારતીય લોકોને છેતરવાનો અને મૂર્ખ બનાવવાનો છે.

બંધારણમાં લોકશાહી અને સાર્વભૌમત્વની વાત માત્ર દેખાડો

કાટજુએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં અમે ભારતના લોકો,લોકશાહી અને સાર્વભૌમત્વ જેવા શબ્દોનો ઉપયોગ કરીને એવો સંદેશ આપવામાં આવે છે કે ભારતમાં લોકો જ શાસક છે.તેમના મતે વાસ્તવિકતા અલગ છે અને મુઠ્ઠીભર લોકો જ સત્તા પર નિયંત્રણ ધરાવે છે.તેમણે બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.કાટજુએ દલીલ કરી હતી કે ગરીબી તમામ અધિકારોના મહત્વને મર્યાદિત કરી દે છે. ભારતમાં વ્યાપક ગરીબી હોવાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે જે વ્યક્તિ ભૂખી હોય,ગરીબ હોય અથવા બેરોજગાર હોય તેના માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અન્ય મૂળભૂત અધિકારો કરતાં ભોજન અને રોજગાર વધુ મહત્ત્વના છે.

માત્ર લખવાથી દેશ બિનસાંપ્રદાયિક બની જતો નથી

ભારતીય બંધારણ માત્ર કાગળનો ટુકડો છે અને તેનો સાચો અર્થ ત્યારે જ છે જ્યારે તેનો જમીન પર અમલ થાય,તેવી ટિપ્પણી પણ કાટજુએ કરી હતી.તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે બંધારણમાં ભારતને બિનસાંપ્રદાયિક દેશ જાહેર કરી દેવાથી વાસ્તવિકતામાં દેશ બિનસાંપ્રદાયિક બની જતો નથી.લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તેનાથી વાસ્તવિક સ્થિતિ જાણી શકાય છે.કાટજુના મતે,ભારતીય બંધારણની ભાવનાનો ભંગ થયો છે અને તેને માત્ર એક ખોખલા માળખા સમાન બનાવી દેવામાં આવ્યું છે.તેમના આ નિવેદનથી બંધારણ દિવસની ઉજવણી પહેલાં બંધારણની ભૂમિકા,મૂળભૂત અધિકારો અને લોકશાહી વ્યવસ્થાને લઈને નવી ચર્ચા શરૂ થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Rajasthan: પાલિકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય, મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓના ગઢ કોંગ્રેસે જીત્યા