રાજસ્થાનની પંચાયત ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક દિગ્ગજ નેતાઓના વિસ્તારોમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) અને રાજકુમાર રોતની ભારતીય આદિવાસી પાર્ટી એ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની હાજરી નોંધાવી છે. અપક્ષ ઉમેદવારોએ પણ અનેક બેઠકો પર જીત મેળવી છે.રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોના આશરે 2.48 કરોડ મતદારોએ આપેલા જનાદેશમાં મેઘવાડ અને મારવાડ બંને વિસ્તારોમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે. જયપુર, જોધપુર, બીકાનેર અને ભીલવાડા જેવા મોટા જિલ્લાઓમાં કોંગ્રેસે જિલ્લા પ્રમુખની બેઠકો પર ફરી પકડ મેળવી છે.

ઉદયપુરમાં ભાજપે પોતાની બેઠક જાળવી રાખી 

અજમેરની બેઠક ભાજપના ફાળે ગઈ છે, જ્યારે ઉદયપુરમાં ભાજપે પોતાની બેઠક જાળવી રાખી છે. બીજી તરફ ચિત્તોડગઢ, સિરોહી, રાજસમંદ અને જાલોર જેવા ભાજપના મજબૂત ગણાતા વિસ્તારોમાં પણ કોંગ્રેસે જીત મેળવી છે.રાજસ્થાનના 37 જિલ્લાઓની 475 જિલ્લા પરિષદ બેઠકો અને 419 પંચાયત સમિતિઓના 7,543 વોર્ડનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જોકે, ચાર જિલ્લાનાં પરિણામો હાલ પૂરતાં અટકાવી રાખવામાં આવ્યાં છે. આ પરિણામો ડિસેમ્બરમાં યોજાનારી પંચાયત ચૂંટણીનાં પરિણામો સાથે જાહેર કરવામાં આવશે. જિલ્લા પરિષદની 37 બેઠકોમાંથી કોંગ્રેસે 25, ભાજપે 8 અને અપક્ષ સહિત અન્ય પક્ષોએ 3 બેઠકો પર જીત મેળવી છે. અગાઉની ચૂંટણીમાં 29 જિલ્લા પરિષદોમાંથી ભાજપે 16 અને કોંગ્રેસે 10 બેઠકો મેળવી હતી.

BAPએ પણ અનેક બેઠકો જીતી

પંચાયત સમિતિની કુલ 419 બેઠકોમાંથી કોંગ્રેસે 213, ભાજપે 85 અને અપક્ષ ઉમેદવારોએ 56 બેઠકો પર જીત મેળવી છે.રાજકીય વિશ્લેષકોના મતે, પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસે અનુસૂચિત જાતિ (SC), જાટ, ગુર્જર અને મીણા સમુદાયના પોતાના પરંપરાગત મતદારો સાથે ભાજપના પરંપરાગત રાજપૂત મતદારોમાં પણ પ્રવેશ મેળવ્યો છે. આ સામાજિક સમીકરણોનો કોંગ્રેસના પ્રદર્શન પર પ્રભાવ જોવા મળ્યો હોવાનું વિશ્લેષકો માને છે.આ ઉપરાંત અપક્ષ ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટીની UGC વિરોધી રેલીની અસર પણ ગ્રામ્ય વિસ્તારોનાં પરિણામોમાં જોવા મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હનુમાન બેનીવાલની RLP અને રાજકુમાર રોતની BAPએ પણ અનેક બેઠકો જીતીને પોતાની રાજકીય હાજરી નોંધાવી છે.

CM ભજનલાલ શર્માના વિસ્તારમાં પણ ભાજપને હાર

આ ચૂંટણીનાં પરિણામોમાં ભાજપના મોટા નેતાઓના વિસ્તારોમાં મળેલી હાર ચર્ચાનો વિષય બની છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માના વિધાનસભા મતવિસ્તાર સાંગાનેરની પંચાયત સમિતિમાં RLPએ જીત મેળવી છે. જ્યારે તેમના ગૃહ જિલ્લા ભરતપુરની જિલ્લા પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે.કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના સંસદીય મતવિસ્તાર જોધપુર, કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલના બીકાનેર અને ભૂપેન્દ્ર યાદવના અલવરમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આ ત્રણેય વિસ્તારોમાં કોંગ્રેસે જીત મેળવી છે.

રાજ્યના મંત્રીના પરિવારને પણ ચૂંટણીમાં હાર

રાજસ્થાનના શહેરી વિકાસ મંત્રી ઝાબરસિંહ ખર્રાના પરિવારના સભ્યો પણ ચૂંટણીમાં હારી ગયા છે. તેમની પત્ની અને બંને પુત્રોને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.બીજી તરફ ઉદ્યોગ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડના વિધાનસભા મતવિસ્તાર ઝોટવાડાની પંચાયત સમિતિમાં ભાજપ માત્ર એક બેઠક પર જ સમેટાઈ ગયો હતો.આ પરિણામો બાદ રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાં બદલાયેલા રાજકીય સમીકરણો અને વિવિધ પક્ષોની સ્થાનિક સ્તરે રહેલી પકડ ચર્ચામાં આવી છે.

મંત્રી ગજેન્દ્રસિંહ ખીંવસરના વિસ્તારમાં ભાજપનો સફાયો

રાજસ્થાનના મંત્રી ગજેન્દ્રસિંહ ખીંવસરના વિસ્તારમાં પણ ભાજપને મોટો ફટકો પડ્યો છે. લોહાવટ પંચાયત સમિતિમાં ભાજપ એક પણ બેઠક જીતી શક્યું નથી. અહીં કોંગ્રેસે 12 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે RLPએ બે બેઠકો કબજે કરી છે. ભાજપનું ખાતું પણ ખૂલી શક્યું નથી.આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પ્રભાવવાળા વિસ્તારમાં પણ પંચાયત સમિતિની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.

ડોટાસરા અને પાયલટના ગઢમાં કોંગ્રેસનો દબદબો

એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ પોતાના વિસ્તારોમાં પક્ષને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના ટોચના નેતાઓએ પોતાના પ્રભાવવાળા વિસ્તારોમાં પક્ષનું સારું પ્રદર્શન જાળવી રાખ્યું છે.કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાના ગૃહ જિલ્લા સીકર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના પ્રભાવવાળા ટોંક જિલ્લામાં કોંગ્રેસે નોંધપાત્ર જીત મેળવી છે. આ બંને વિસ્તારોમાં કોંગ્રેસે પોતાની રાજકીય પકડ દર્શાવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: જો દિલજીત દોસાંજના કોન્સર્ટમાં આ 4 ગીતો રજૂ થતાં તો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચશે