ગણેશ ચતુર્થીના દિવસથી 10 દિવસીય ગણેશોત્સવની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે મહારાષ્ટ્રમાં તો આ તહેવારની કંઇક અલગ જ રોનક જોવા મળી રહી છે. મુંબઇ, પુણે સહિત તમામ જગ્યાએ ભક્તો વાજતે ગાજતે બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે વાત કરીએ મુંબઇના સૌથી પ્રસિદ્ધ ગણેશ પંડાલની એટલે કે લાલબાગ ચા રાજાની. આ વખતે પણ લાલબાગ ચા રાજા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. પહેલા દિવસથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા છે.
એક જ દિવસમાં કેટલું દાન?
ત્યારે લાલબાગના રાજાની દાનપેટી ખોલવામાં આવી છે. જેમાં માત્ર એક જ દિવસમાં એટલે કે ગણેશ ચતુર્થીના દિવસનું દાન મોટી સંખ્યામાં મળ્યુ છે. દાન પેટીમાંથી અમેરિકન ડોલર, કરોડો રૂપિયા અને ક્રિકેટનું બેટ સહિત ભારતીય કરન્સી પણ નીકળી છે. કૂલ 3 પેટી છે જેમાંથી એક પેટી જ ખોલવામાં આવી છે. કૂલ 80 લોકો દાનમાં મળેલી રકમ ગણી રહ્યા છે. ગત વર્ષે પ્રથમ દિવસે 48 લાખ રૂપિયાનું દાન મળ્યુ હતું. આ 10 દિવસમાં જે દાન આવે છે તેને દાન ધર્મ પાછળ ખર્ચવામાં આવે છે. જેમ કે લાઇબ્રેરી, ડાઇનિંગ સેન્ટર, કોમ્પ્યુટર સેન્ટર, કોઇને સારવાર પાછળ પણ ખર્ચવામાં આવે છે. એટલે કે શ્રદ્ધાળુઓએ આપેલા પૈસા શ્રદ્ધાળુઓ માટે જ વાપરવામાં આવે છે.
ભક્તોની ભીડ
મહત્વનું છે કે ફિલ્મી હસ્તીઓ તથા રાજકીય દિગ્ગજો પણ દાદાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. મળતી માહિતી મુજબ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાનવી કપૂરે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચી શકે છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પણ બાપ્પાના દર્શન કર્યા. અહીં આવનારા ભક્તોની સુરક્ષા માટે મુંબઈ પોલીસે પણ વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે. લગભગ 17,600 જવાનોને રસ્તાઓ પર તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, માઉન્ટેડ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડ્રોન અને ડોગ સ્ક્વોડ પણ સુરક્ષા વ્યવસ્થાનો ભાગ રહેશે.
મુંબઈના લાલબાગચા રાજા ઉપરાંત, ચિંચપોકલી, ગણેશ ગલી અને તેજુકાયા જેવા અન્ય લોકપ્રિય પંડાલોમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. કિંગ્સ સર્કલ ખાતે સ્થિત GSB સેવા મંડળ ખાસ કરીને સોના અને ચાંદીથી શણગારેલા ભવ્ય ગણપતિ માટે જાણીતું છે.