નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટને ગંગા એક્સપ્રેસવે સાથે જોડવા માટે એક નવો લિંક એક્સપ્રેસવે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આશરે 76 કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ બુલંદશહેરમાંથી પસાર થશે અને તેનો ખર્ચ રૂપિયા 4,415 કરોડ થવાનો અંદાજ છે. સરકારે પ્રારંભિક બજેટ રૂપિયા 1,000 કરોડનું ફાળવ્યું છે.


કોને મળશે વધારે લાભ ?

આ નવા લિંક એક્સપ્રેસવેના નિર્માણથી મેરઠ અને બુલંદશહેરના રહેવાસીઓ માટે નોઈડા એરપોર્ટ સુધી પહોંચવામાં નોંધપાત્ર સરળતા રહેશે. હાલમાં રાજ્યમાં આગ્રા-લખનૌ, પૂર્વાંચલ અને ગંગા એક્સપ્રેસવે જેવા ઘણા મહત્વપૂર્ણ એક્સપ્રેસવે પશ્ચિમથી પૂર્વ તરફ ચાલે છે. આ લિંક યમુના એક્સપ્રેસવેની નજીક સ્થિત નોઈડા એરપોર્ટને સીધા ગંગા એક્સપ્રેસવે સાથે જોડશે, જેનાથી રાજ્યના વિવિધ ભાગોમાં મુસાફરી વધુ અનુકૂળ બનશે. બુંદેલખંડ અને પૂર્વાંચલ એક્સપ્રેસવે પર વધતા ટ્રાફિકના દબાણને પહોંચી વળવા માટે સરકારે 12 નવા ઈ-વે હબ બનાવવાની યોજના બનાવી છે. આમાંથી ચાર હબ બુંદેલખંડ એક્સપ્રેસવે પર અને આઠ પૂર્વાંચલ એક્સપ્રેસવે પર બનાવવામાં આવશે. આ હબ માટે ₹72 કરોડ (બુંદેલખંડ) અને ₹144 કરોડ (પૂર્વાંચલ) ફાળવવામાં આવ્યા છે. આનાથી ટ્રાફિક વ્યવસ્થાપન અને મુસાફરીનો અનુભવ સુધરશે.

આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે હાઈટેક બનશે

સરકારે આગ્રા-લખનૌ એક્સપ્રેસવેના સુધારણા માટે ₹800 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ રકમનો ઉપયોગ નાની ખામીઓને સુધારવા અને એક્સપ્રેસવેને સુધારવા માટે કરવામાં આવશે. વધુમાં ગોરખપુર લિંક એક્સપ્રેસવે પર અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની સ્થાપના માટે ₹10 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે ટ્રાફિક નિયંત્રણ અને સલામતીમાં સુધારો કરશે.

  • Follow us on: