ભારતની ખાતર સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે, ખાતરથી ભરેલા ચાર મહત્વપૂર્ણ કાર્ગો જહાજોએ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને સફળતાપૂર્વક પાર કરી લીધી છે. યુરિયા, ડાય-એમોનિયમ ફોસ્ફેટ (DAP) અને સલ્ફર જેવા આવશ્યક ખાતરો લઈને આ જહાજો હવે ભારતના કૃષ્ણપટ્ટનમ, કાકીનાડા, પારાદીપ અને મુન્દ્રા બંદરો તરફ આગળ વધી રહ્યા છે. આ માલસામાનના આગમન સાથે જ દેશનો ખાતર ભંડાર વધુ સમૃદ્ધ થશે અને ખરીફ ૨૦૨૬ની સીઝનમાં ખેડૂતોની જરૂરિયાતોને સમયસર પૂર્ણ કરવામાં મદદ મળશે.
ખાતરનો રેકોર્ડ સ્ટોક અને વધતું વેચાણ
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયના અહેવાલ મુજબ,22 જૂન, 2026 સુધીમાં દેશમાં કુલ ખાતરનો સ્ટોક 196.08 લાખ ટન સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષના સમાન ગાળાના168.67 લાખ ટનની તુલનામાં નોંધપાત્ર વધારો છે. આ સ્ટોકમાં યુરિયા 81.44 લાખ ટન, DAP 20.92 લાખ ટન અને NPK 55.91 લાખ ટનનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, 1 માર્ચથી 21 જૂન વચ્ચે કુલ ખાતરનું વેચાણ 153.4 લાખ ટન નોંધાયું છે, જે દર્શાવે છે કે કૃષિ ક્ષેત્રમાં માંગ અને ગતિવિધિઓ ઝડપથી વધી રહી છે.
સ્વદેશી ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રયાસો
સરકારે ખેડૂતોને વૈશ્વિક બજારની અનિશ્ચિતતાઓથી બચાવવા માટે 'આત્મનિર્ભર ભારત' અંતર્ગત સ્વદેશી ખાતર ઉત્પાદનને સતત પ્રોત્સાહન આપ્યું છે. તાજેતરના સમયમાં સ્થાનિક ઉત્પાદન 133.12 લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ 28 ભારતીય મિશન દ્વારા ઓમાન, મલેશિયા, રશિયા, મોરોક્કો અને જોર્ડન જેવા દેશો સાથે સંકલન સાધીને ખાતરની આયાત સુનિશ્ચિત કરવામાં આવી છે. 1.77 મિલિયન મેટ્રિક ટન યુરિયાની ખરીદી માટેના વૈશ્વિક ટેન્ડર અને ખરીફ સીઝન માટે ૯ મિલિયન મેટ્રિક ટનથી વધુ ખાતરનો સુરક્ષિત જથ્થો સરકારની ગંભીરતા દર્શાવે છે.
ખેડૂતો સુધી ખાતર કોઇ વિલંબ વગર પહોંચી શકે
ખાતર વિભાગ હાલ રાજ્ય સરકારો, વિવિધ સહકારી સંસ્થાઓ અને વિતરણ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે, જેથી ખાતરનો પુરવઠો છેવાડાના ખેડૂત સુધી કોઈપણ વિલંબ વગર પહોંચી શકે. વૈશ્વિક કટોકટીના આ સમયમાં ભારતની આ સફળતા માત્ર રાજદ્વારી કુશળતા જ નહીં, પરંતુ ખેડૂતો પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા પણ સાબિત કરે છે. સમયસર ખાતરની ઉપલબ્ધતા કૃષિ ઉત્પાદનમાં વધારો કરવામાં અને દેશની ખાદ્ય સુરક્ષાને અકબંધ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પણ વાંચોઃ શું કાળા કલરની જ કારથી થાય છે વધુ અકસ્માત? જાણો એની પાછળનું રહસ્ય