ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે ઝોને મુસાફરોની સતત વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને એક મોટો અને રાહતદાયક નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલ્વેએ 30 ખાસ ટ્રેનોની મુદત લંબાવીને તેમને 31 ઓગસ્ટ, 2026 સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન વચ્ચે અવર-જવર કરતા લાખો મુસાફરોને મોટી રાહત મળશે.

કઈ ટ્રેનોને મળી મુદત?

આ યાદીમાં મુખ્યત્વે દાદર, બાંદ્રા ટર્મિનસ, અમદાવાદ, વલસાડ અને અસારવા જેવા મહત્વના સ્ટેશનોથી પ્રયાગરાજ, સુબેદારગંજ, કાનપુર, જયપુર અને પટણા તરફ જતી ટ્રેનોનો સમાવેશ થાય છે. 

દાદર-પ્રયાગરાજ સ્પેશિયલ (04140) હવે 30 ઓગસ્ટ સુધી દોડશે.

બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ (09706/09708) અનુક્રમે 17 અને 30 જુલાઈ સુધી ઉપલબ્ધ રહેશે.

અમદાવાદ-પટણા સ્પેશિયલ (09447) 15 જુલાઈ સુધી કાર્યરત રહેશે.

વલસાડ-સુબેદારગંજ (04120/04178) 30 અને 26 ઓગસ્ટ સુધી સેવા આપશે.

અસારવા-કાનપુર સેન્ટ્રલ(01906) 1 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

બુકિંગ પ્રક્રિયા અને વધુ માહિતી:

પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓ વિનીત અભિષેકે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો માટે બુકિંગની સુવિધા આજથી એટલે કે 12 જુલાઈ, ૨૦૨૬થી શરૂ કરી દેવામાં આવી છે. મુસાફરો આ ટ્રેનોનું રિઝર્વેશન તમામ પીઆરએસ (PRS) કાઉન્ટર્સ પરથી અથવા IRCTCની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન કરી શકે છે.

રેલ્વે વહીવટીતંત્રે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ ટ્રેનનો ચોક્કસ સમય, સ્ટોપેજ અને અન્ય વિગતો માટે ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે અથવા મદદ માટે ૧૩૯ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરે. ઉનાળાના વેકેશન પછી પણ મુસાફરોનો ધસારો જળવાઈ રહેતા રેલ્વેનો આ નિર્ણય મુસાફરો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. પોતાની મુસાફરી આયોજન કરતા પહેલા મુસાફરોએ સમયસર ટિકિટ બુક કરી લેવી હિતાવહ છે, જેથી અંતિમ સમયે કોઈ પણ અગવડતાનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચોઃ  EPFO : PF ટ્રસ્ટ ચલાવનાર કંપનીઓ માટે ખુશખબરી, બાકી રકમ અને દંડમાં મળશે મોટી રાહત