11 જુલાઈનો દિવસ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક મોટી ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. એક તરફ આજે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં શિક્ષકોનું આંદોલન, ખોડલધામનો મેગા બ્લડ કેમ્પ અને મુખ્યમંત્રીના પ્રવાસથી રાજકારણ ગરમાયું છે. મનોરંજન જગતમાં 'જેઠાલાલ' તરીકે જાણીતા દિલીપ જોશીનો આજે જન્મદિવસ છે, જ્યારે ઈતિહાસમાં આજનો દિવસ મુંબઈ ટ્રેન બ્લાસ્ટના કાળા દિવસ તરીકે પણ નોંધાયેલો છે. દેશભરમાં ચોમાસાની આફત વચ્ચે 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

સાયબર ફ્રોડ કેસમાં 18 આરોપીઓની ધરપકડ

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે 11 જુલાઈના રોજ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. જેમાં વડોદરા, ભાવનગર અને રાજકોટમાં અલગ-અલગ ગેંગ દ્વારા મ્યુલ એકાઉન્ટ મારફતે આચરવામાં આવેલા 3 સાયબર ફ્રોડ કેસોમાં 18 આરોપીઓની ધરપકડ અંગે વિગતો જાહેર કરાશે.

શિક્ષકોનું ગાંધીનગરમાં મોટું આંદોલન

શિક્ષકો માટે TET પરીક્ષા ફરજિયાત બનાવવાના મુદ્દે રાજ્યભરના શિક્ષકો 11 જુલાઈના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરશે. આ આંદોલનમાં વિવિધ શિક્ષક સંગઠનોના પ્રતિનિધિઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર સમક્ષ રજૂઆતો કરશે.

અશોક ગેહલોતની ગુજરાત મુલાકાત

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત 11 જુલાઈના રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેમના દ્વારા રામ મંદિર વિવાદ પર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પર રાજકીય નજર રહેશે.

સરસપુરમાં ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શન

સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીના મામેરાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વર્ષો જૂની પરંપરા બદલાશે અને બે અલગ-અલગ જગ્યાએ મામેરા થશે. વાસણ શેરીમાં 11 જુલાઈના રોજ સવારે 9:00 વાગ્યે અને સરસપુર મંદિર ખાતે 10:00 વાગ્યે મામેરા દર્શન યોજાશે.

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મેગા રક્તદાન કેમ્પ

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલનો 11 જુલાઈના રોજ જન્મદિવસ છે, જે નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન વર્ષ 2027 ની ચૂંટણીને લઈને કોઈ મહત્વના પોલિટિકલ અપડેટ્સ મળી શકે છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલના બનાસકાંઠામાં કાર્યક્રમો

11 જુલાઈના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠાના વડગામ તાલુકાના ધારેવાડા ગામ નજીક ખાનગી હોસ્પિટલના ભૂમિપૂજનમાં હાજરી આપશે. ત્યારબાદ સીએમ પાલનપુરના ચડોતર નજીક બનાસ કમલમ ખાતે પહોંચશે.

રાધનપુરમાં કરોડોના વિકાસકામોનું લોકાર્પણ

11 જુલાઈના રોજ રાધનપુર ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલ બનાસ બેંકની માર્કેટયાર્ડ શાખાના નવનિર્મિત મકાન, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલય અને ખેડૂત આરામ ભવનનો લોકાર્પણ સમારોહ યોજાશે. જેમાં શંકર ચૌધરી, જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય લવિંગજી હાજર રહેશે.

સ્વદેશી યુદ્ધપોત 'INS મહેન્દ્રગિરિ' નૌસેનામાં સામેલ

11 જુલાઈના રોજ બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ સ્વદેશી યુદ્ધપોત 'INS મહેન્દ્રગિરિ' ભારતીય નૌસેનામાં સામેલ થશે. 75% સ્વદેશી ટેકનિકથી બનેલું આ પ્રોજેક્ટ 17A યુદ્ધપોત દુશ્મનના રડારથી બચીને પ્રહાર કરવામાં સક્ષમ છે.

પીએમ મોદીના વિદેશ પ્રવાસનો અંતિમ દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દેશોના પ્રવાસનો 11 જુલાઈના રોજ છેલ્લો દિવસ છે. ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધા બાદ પીએમ મોદી હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે.

સીએમ યોગી આદિત્યનાથનો ગોરખપુર પ્રવાસ

11 જુલાઈના રોજ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુરના પ્રવાસે રહેશે. તેઓ અંદાજે 697 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 4 રોડ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને 54 કરોડથી વધુની 7 નવી વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.

પંજાબ કોંગ્રેસમાં આંતરિક બેઠક

પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ તેજ થયો છે. પંજાબ કોંગ્રેસ પ્રભારી ભૂપેશ બઘેલ અને ચરણજીત સિંહ ગુટની 11 જુલાઈના રોજ સવારે 10:00 વાગ્યે ચંદીગઢમાં રાણા ગુરજીતના નિવાસે બેઠક મળશે.

કર્ણાટકના બેલગાવીમાં RSSની બેઠક

RSSની પ્રાંત પ્રચારક બેઠક કર્ણાટકના બેલગાવીમાં ચાલી રહી છે, જેનો 11 જુલાઈના રોજ બીજો દિવસ છે. આ બેઠકમાં દેશભરના 46 પ્રાંતો અને 11 ક્ષેત્રોના પ્રચારકો ભાગ લઈ રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનો ઉત્તરાખંડ પ્રવાસ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ 11 જુલાઈના રોજ ઉત્તરાખંડના પ્રવાસે રહેશે. તેઓ દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠા 'લોક સંવર્ધન પર્વ'નું ઉદ્ઘાટન કરશે, જેમાં દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત પ્રદર્શિત કરાશે.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન ગયાની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન 11 જુલાઈના રોજ બિહારના ગયાની મુલાકાતે પહોંચશે અને ત્યાં નિર્ધારિત વિવિધ સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં હિસ્સો લેશે.

વિશ્વ વસ્તી દિવસ 2026 

દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવાય છે. વસ્તી વિસ્ફોટની વૈશ્વિક સમસ્યા પ્રત્યે જનજાગૃતિ લાવવા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 1989માં આની શરૂઆત થઈ હતી. 11 જુલાઈ 1987ના રોજ વિશ્વની વસ્તી 5 અબજ વટાવી ગઈ હોવાથી તેને 'પાંચ અબજ દિન' પણ કહે છે. હાલ દુનિયાની વસ્તી 8 અબજ છે, જેમાં ભારત 1.4 અબજ સાથે મોખરે છે.

મહીસાગરમાં નેશનલ લોક અદાલતનું આયોજન

11 જુલાઈના રોજ મહીસાગર જિલ્લામાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એમ.એન. ગડકરીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટર અકસ્માત, ચેક રિટર્ન, લગ્ન સંબંધિત વિવાદો અને વીજળી-પાણીના બિલના કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરાશે.

  • 11 જુલાઈની ઐતિહાસિક ઘટનાઓ
  • 1899 - ફિયાટ કંપની - જીઓવાન્ની એગ્નેલી દ્વારા ઇટાલીના તુરીનમાં પ્રખ્યાત કાર નિર્માતા કંપની FIAT ની સ્થાપના થઈ.
  • 1922 - હોલીવુડ બાઉલ - પ્રખ્યાત હોલીવુડ બાઉલ એમ્ફીથિયેટર સત્તાવાર રીતે ખુલ્યું.
  • 1960 - પ્રથમ યુરો કપ - સોવિયેત યુનિયને (USSR) ફાઇનલમાં યુગોસ્લાવિયાને હરાવીને ઇતિહાસનો પ્રથમ યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ ખિતાબ જીત્યો.
  • 1979 - સ્કાયલેબ દુર્ઘટના - અમેરિકન અવકાશ પ્રયોગશાળા સ્કાયલેબ ક્ષતિગ્રસ્ત થઈને ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારે સમુદ્રમાં તૂટી પડી.
  • 1982 - ફિફા વર્લ્ડ કપ - ઇટાલીએ પશ્ચિમ જર્મનીને 3-1થી હરાવીને ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો.
  • 2002 - મહિલા વડાપ્રધાન - ચાંગ શાંગ દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
  • 2003 - દોસ્તી બસ - લાહોરમાં 'દોસ્તી બસ' અને દિલ્હીથી 'સદા-એ-સરહદ' બસ સેવા શરૂ થઈ.
  • 2004 - એશિયન કોન્ફરન્સ - બેંગકોકમાં HIV-AIDS પર એશિયન મિનિસ્ટર્સ કોન્ફરન્સ યોજાઈ.
  • 2006 - મુંબઈ ટ્રેન બ્લાસ્ટ - મુંબઈની લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ 7 બોમ્બ ધડાકા થયા, જેમાં 200થી વધુ લોકોના મોત થયા અને સેંકડો ઘાયલ થયા.
  • 2007 - એમ.એફ. હુસૈન - પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસૈને ન્યૂયોર્કના આર્ટ એક્ઝિબિશનમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો.
  • 2008 - અમેરિકન એરસ્ટ્રાઈક - પાકિસ્તાનના વઝીરિસ્તાન પ્રાંતમાં અમેરિકન હવાઈ હુમલામાં 11 લોકો ઘાયલ થયા.
  • 2010 - સ્પેન ચેમ્પિયન - જોહાનિસબર્ગમાં નેધરલેન્ડ્સને હરાવીને સ્પેને તેનું પ્રથમ ફિફા વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું.
  • 2021 - ખાનગી અવકાશ યાત્રા - વર્જિન ગેલેક્ટિક કંપનીના સ્થાપક રિચાર્ડ બ્રેન્સને પોતાના સ્પેસક્રાફ્ટ દ્વારા સફળતાપૂર્વક અંતરિક્ષ યાત્રા પૂર્ણ કરી.

11 જુલાઈના રોજ પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ

  • 1857 - સી. શંકરન નાયર - ભારતીય ન્યાયાધીશ અને જાણીતા રાજકારણી.
  • 1899 - સી.એસ. વેંકટાચાર - રાજસ્થાનના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી.
  • 1902 - સરદાર બલદેવ સિંહ - ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, રાજકારણી અને દેશના પ્રથમ રક્ષામંત્રી.
  • 1920 - વી.આર. નેદુનચેઝિયાન - તમિલનાડુ રાજ્યના ત્રણ વખતના કાર્યકારી મુખ્યમંત્રી.
  • 1956 - અમિતાભ ઘોષ - પ્રખ્યાત અંગ્રેજી ભાષાના ભારતીય લેખક.
  • 1967 - દિલીપ જોશી - ભારતીય ટેલિવિઝન જગતના લોકપ્રિય અભિનેતા (તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 'જેઠાલાલ').

11 જુલાઈના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • 1912 - ફર્ડિનાન્ડ મોનોયર - આંખની તપાસ માટે ચાર્ટ બનાવનાર પ્રખ્યાત ફ્રેન્ચ નેત્ર ચિકિત્સક.
  • 1957 - આગા ખાન તૃત્તીય - શિયાઓના નિઝારી ઈસ્માઈલી સંપ્રદાયના જાણીતા આધ્યાત્મિક નેતા.
  • 2003 - ભીષ્મ સાહની - ભારતના પ્રખ્યાત હિન્દી લેખક અને નાટ્યકાર.
  • 2011 - રામા રાઘોબા રાણે - પરમવીર ચક્રથી સન્માનિત વીર ભારતીય સૈનિક (સેકન્ડ લેફ્ટનન્ટ).


આ પણ વાંચો - 10 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર