18 જુલાઈનો દિવસ વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ છે. એક તરફ જ્યાં 18 જુલાઈના રોજ વિશ્વભરમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ અવકાશ ક્ષેત્રે ભારતની ખાનગી કંપની સ્કાઈરૂટ એરોસ્પેસ નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. આ ઉપરાંત દેશમાં રાજકીય ગરમાવો, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની કડક કાર્યવાહી અને 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જેવી અનેક મહત્વની ગતિવિધિઓ કેન્દ્રસ્થાને છે.
સ્કાઈરૂટ એરોસ્પેસનું પ્રથમ પ્રાઈવેટ ઓર્બિટલ મિશન અને પીએમ મોદીનો સંદેશ
18 જુલાઈના રોજ હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ 'સ્કાઈરૂટ એરોસ્પેસ' દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી ભારતના પ્રથમ પ્રાઈવેટ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ 'વિક્રમ-1' (ટેસ્ટ ફ્લાઈટ-1) નું લોન્ચિંગ કરવામાં આવશે. આ ઐતિહાસિક ઉડાનની ખાસ વાત એ છે કે, તેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે લખાયેલું પોસ્ટકાર્ડ 'વંદે માતરમ્' પણ અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
18 જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને પર્વતીય અને પૂર્વ ભારતના રાજ્યોમાં વીજળી પડવા અને વાવાઝોડાને લઈને કડક એલર્ટ જાહેર કરાયું છે.
અમિત શાહનો બંગાળ પ્રવાસ અને સંગઠનની બેઠકો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18-19 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળના પ્રવાસે રહેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે મહત્વની બેઠકો કરશે તેમજ તેમને શાસન અને સંગઠનના પાઠ ભણાવશે, જે આગામી સમય માટે રાજકીય રીતે ખૂબ મહત્વનું માનવામાં આવે છે.
CM યોગી આદિત્યનાથ દ્વારા કરોડોના વિકાસકાર્યોની ભેટ
18 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંભલ જિલ્લાની મુલાકાતે જશે. ત્યાં તેઓ રૂ. 1,000 કરોડથી પણ વધુના ખર્ચે સાકાર થનારી વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરીને જનતાને મોટી ભેટ આપશે.
રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં સુનાવણીની શક્યતા
લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીના માનહાનિ કેસ મામલે સુલતાનપુરની એમએલએ કોર્ટમાં 18 જુલાઈના રોજ સુનાવણી થઈ શકે છે. કોર્ટે અગાઉ 15 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરીને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જેના પર નજર રહેશે.
ગુજરાતના શહેરોમાં સંકલન બેઠકોનો ધમધમાટ
18 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધારાસભ્યો અને સાંસદોની મહત્વની સંકલન બેઠક યોજાશે, જેમાં સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરાશે. બીજી તરફ નર્મદા જિલ્લામાં પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા ઉઠાવેલા પ્રશ્નોને કારણે સંકલન બેઠક તોફાની બનવાના એંધાણ છે. ઉપરાંત રાજપીપળા કમલમ ખાતે ચૂંટણીલક્ષી આદિજાતિ મોર્ચાની અગત્યની બેઠક યોજાશે.
ફાયર સેફ્ટી અને ડીસા બ્લાસ્ટ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી
ગુજરાતમાં ફાયર સેફ્ટીના અભાવ મામલે થયેલી અરજીઓ તેમજ ડીસા ખાતે થયેલા ફટાકડા બ્લાસ્ટની ગંભીર ઘટના સંદર્ભે 18 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ કરવામાં આવશે, જેના પર સૌની નજર ટકેલી છે.
દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન
દક્ષિણ ગુજરાતમાં નવી વીજલાઇન નાખવાના કારણે થયેલા નુકસાન સામે તંત્ર દ્વારા ઓછું વળતર અપાતા ખેડૂતોમાં રોષ છે. આ મુદ્દે 18 જુલાઈના રોજ ખેડૂત સમાજ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખીને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરમાં મેઘરાજાને રિઝવવા પગપાળા પ્રાર્થના યાત્રા
પોરબંદરમાં વરસાદ ખેંચાતા હોલસેલ, રિટેલ અને કરિયાણા એસોસિએશન દ્વારા અનોખું આયોજન કરાયું છે. 18 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે વેપારીઓ સુતરવાડાથી રોકડિયા હનુમાન મંદિર સુધી પગપાળા જઈને મેઘરાજાને રિઝવવા હનુમાનજીને સામૂહિક પ્રાર્થના કરશે.
કોડીનારમાં વિજેતા ગર્લ્સ વોલીબોલ ટીમનું ભવ્ય સન્માન
થાઈલેન્ડમાં યોજાયેલી 16મી એશિયન ગર્લ્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કરીને પરત ફરેલી ટીમની ગુજરાતની ત્રણ દીકરીઓ અને કોચ માટે કોડીનારમાં 18 જુલાઈના રોજ ભવ્ય સ્વાગત યાત્રા અને સન્માન સમારોહ યોજાશે. જેમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા હાજર રહેશે.
અમદાવાદ અને સુરતમાં 18 જુલાઈના રોજ વિવિધ સાંસ્કૃતિક તથા વ્યાપારી કાર્યક્રમો
- PRSI રાષ્ટ્રીય કોન્ફરન્સ: અમદાવાદમાં પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘AI ના યુગમાં ફેક્ટ-ચેકિંગ’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે.
- સૌથી મોટી કૃષ્ણ મૂર્તિનું આગમન: સુરતના કોટસફીલ રોડ પર મલિક ગ્રુપ દ્વારા ભારતની સૌથી મોટી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા રાત્રે 8:00 વાગ્યે નીકળશે.
- કોકટેલ લાઈફસ્ટાઈલ એક્ઝિબિશન: અમદાવાદના સેટેલાઇટ સ્થિત સીમા હોલ ખાતે તહેવારોની ખરીદી માટે ફેશન અને જ્વેલરીનું વિશેષ પ્રદર્શન ચાલુ રહેશે (17, 18 અને 19 જુલાઈ).
- સાંસ્કૃતિક કાર્યક્રમ: અમદાવાદના એચ.કે. હોલમાં સાંજે 7:30 વાગ્યે અવિનાશ ગુપ્તા સાથે ‘ટ્રિપ ડાઉન મેમરી લેન’ મ્યુઝિકલ શો યોજાશે.
ગુજરાત ATS ની મોટી કાર્યવાહી બાદ કડક સુરક્ષા
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા તાજેતરમાં 17 જુલાઈના રોજ પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન ધરાવતા 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ સમગ્ર રાજ્યની બોર્ડર અને સંવેદનશીલ વિસ્તારોમાં 18 જુલાઈ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન
દર વર્ષે 18 જુલાઈના રોજ વિશ્વ શાંતિ, રંગભેદ વિરોધી આંદોલન અને માનવ અધિકારોના રક્ષક નેલ્સન મંડેલાની યાદમાં આ દિવસ ઉજવાય છે. તેમનો જન્મ 18 જુલાઈ 1918ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેઓ મહાત્મા ગાંધીને પોતાના પ્રેરણારૂપ માનતા હતા અને અહિંસક માર્ગે ચાલતા હતા. વર્ષ 1993માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો અને વર્ષ 2013માં 95 વર્ષની વયે તેમનું નિધન થયુ હતું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેમના જન્મદિને વિશ્વ શાંતિમાં તેમના યોગદાનને સન્માનિત કરવા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી.
18 જુલાઇની ઐતિહાસિક ઘટનાઓ
- 1743 - ન્યૂયોર્કના એક સાપ્તાહિક અખબારમાં દુનિયાની સૌપ્રથમ અડધા પાનાની જાહેરાત (Half-Page Ad) પ્રકાશિત થઈ હતી.
- 1857 - શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ગણાતી બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના આજના દિવસે થઈ હતી.
- 1947 - ભારતીય સ્વતંત્રતા અધિનિયમને શાહી સંમતિ મળી હતી.
- 1968 - કમ્પ્યુટર ચિપ બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપની Intel Corporation ની સ્થાપના કેલિફોર્નિયામાં થઈ હતી.
- 1969 - હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર વચ્ચે રમાયેલી ફૂટબોલ મેચના તણાવ બાદ શરૂ થયેલું ટૂંકું યુદ્ધ સમાપ્ત થયું હતું.
- 1973 - અફઘાનિસ્તાનમાં સદીઓ જૂની રાજાશાહીનો અંત આવ્યો અને પ્રજાસત્તાકની સ્થાપના થઈ.
- 1980 - ભારત નિર્મિત સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા રોહિણી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો. સાથે જ મદ્રાસ (ચેન્નાઈ) દૂરદર્શન પરથી દેશમાં પ્રથમ રંગીન પ્રસારણ શરૂ થયું.
- 1994 - બ્રાઝિલે ચોથી વખત વર્લ્ડ કપ ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો.
- 1999 - ઉડ્ડયન ઈતિહાસમાં સૌથી વધુ કલાક ઉડાડવાનો રેકોર્ડ બનાવનાર એડલોગનું અવસાન થયું. તેમજ પેલેસ્ટાઈનના ઓસામા બરહામને 6 વર્ષની જેલ બાદ ઈઝરાયેલે મુક્ત કર્યો.
- 2000 - રતુ જોસેફા ઇલોઇલોએ ફિજીના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
- 2002 - તેલ અવીવમાં બોમ્બ વિસ્ફોટમાં 6 ના મોત અને 40 ઘાયલ થયા. આ જ દિવસે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દેશના 12 મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 2003 - વાય. વેણુગોપાલ રેડ્ડી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર બન્યા.
- 2004 - અમેરિકાએ પાકિસ્તાનનું 50 કરોડ ડોલરનું દેવું માફ કર્યું.
- 2005 - મનમોહન સિંહ અને જ્યોર્જ બુશ વચ્ચેની મંત્રણા બાદ અમેરિકાએ ભારત પરના પરમાણુ ઉર્જા અને ઉચ્ચ તકનીકી પુરવઠા પર લાદેલા પ્રતિબંધો હટાવવાનો નિર્ણય કર્યો.
- 2007 - ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક ગણાતા અમેરિકન કૃષિ વૈજ્ઞાનિક નોર્મન બોરલોગને કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરાયો.
- 2008 - ભારતીય મૂળના પ્રખ્યાત લેખક સલમાન રશ્દીએ પ્રમોશન ટૂર દરમિયાન 57 મિનિટમાં 1,000 પુસ્તકો પર હસ્તાક્ષર કરવાનો રેકોર્ડ બનાવ્યો.
18 જુલાઈના રોજની મહાન હસ્તીની જન્મજયંતિ
- 1861 - કાદમ્બિની ગાંગુલી: ભારતની પ્રથમ મહિલા સ્નાતક (ગ્રેજ્યુએટ) અને પ્રથમ મહિલા ચિકિત્સક (ડોક્ટર).
- 1918 - નેલ્સન મંડેલા: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ, અશ્વેત ક્રાંતિકારી અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા.
- 1927 - મેહદી હસન: સંગીત જગતના પ્રખ્યાત ગઝલ ગાયક (શહેનશાહ-એ-ગઝલ).
- 1931 - ભાવનમ વેંકટરામી રેડ્ડી: આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ 8 મા મુખ્યમંત્રી.
- 1935 - જયેન્દ્ર સરસ્વતી: તમિલનાડુના કાંચીપુરમ સ્થિત કામકોટી પીઠના શંકરાચાર્ય.
- 1946 - રાજેશ જોશી: હિન્દી સાહિત્યના પ્રખ્યાત લેખક અને કવિ.
- 1970 - અશ્વિની વૈષ્ણવ: પૂર્વ IAS અધિકારી અને ભારતના જાણીતા રાજકારણી તથા કેન્દ્રીય મંત્રી.
- 1982 - પ્રિયંકા ચોપરા: બોલિવૂડ અને હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી તેમજ મિસ વર્લ્ડ (2000).
- 1996 - સ્મૃતિ મંધાના: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર બેટ્સમેન.
18 જુલાઈના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ
- 1948 - પીરુ સિંહ: ભારતીય સેનાના પરમવીર ચક્ર વિજેતા બહાદુર અમર શહીદ.
- 1998 - અબ્દુલ હમીદ કૈસર: ભારતના પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને ક્રાંતિકારી.
- 2011 - જગદીશ પ્રસાદ: હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક.
- 2012 - રાજેશ ખન્ના: ભારતીય સિનેમાના પ્રથમ 'સુપરસ્ટાર' અને લોકપ્રિય અભિનેતા.
- 2016 - મુબારક બેગમ: હિન્દી ફિલ્મોની સુરીલી પ્લેબેક સિંગર (પાર્શ્વ ગાયિકા).
- 2017 - અજીત શંકર ચૌધરી: જાણીતા ભારતીય કવિ, સંસ્મરણકાર અને વાર્તાકાર.
- 2022 - પિન્દર સિંહ: ભારતીય સિનેમાના પ્રખ્યાત પ્લેબેક સિંગર અને ગઝલ ગાયક.
આ પણ વાંચો - 17 જુલાઈના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
