22 ઓગસ્ટ 2026ના રોજ દેશ અને રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસની દિલ્હીમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકો યોજાઈ રહી છે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ સિલીગુડીમાં સરહદી સુરક્ષા અંગે સમીક્ષા કરશે. બીજી તરફ ગુજરાતમાં ભાવનગર લઠ્ઠાકાંડ અંગે રાજકારણ ગરમાયું છે, જ્યારે ખેડબ્રહ્મા અને લાલપુરમાં વીજકાપની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, અમરનાથ યાત્રાના અંતિમ ચરણમાં છડી મુબારક રવાના થશે, તથા જ્યોતિષીય દ્રષ્ટિએ બુધ-કેતુનો પ્રભાવ શરૂ થઈ રહ્યો છે.

દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક અને ગુજરાતનું પ્રતિનિધિત્વ

નિતિન નવીન પોતાની 65 સભ્યોની નવી ટીમ સાથે દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે સવારે 9 વાગ્યે બેઠક યોજશે. આ નવી ટીમમાં ગુજરાતના 4 અગ્રણી નેતાઓને સ્થાન મળ્યું છે, જે આગામી સંગઠનાત્મક વ્યૂહરચના માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

ગૃહમંત્રી અમિત શાહનો સિલીગુડી પ્રવાસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સિલીગુડી પ્રવાસનો અંતિમ દિવસ છે. તેઓ 22 ઓગસ્ટના રોજ સવારે ગૃહ મંત્રાલય, BSF, SSB અને રાજ્યની સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે ભારતની સીમા સુરક્ષા મુદ્દે હાઈલેવલ સમીક્ષા બેઠક કરશે.

રાહુલ ગાંધીનો 'છાત્રાઓ સાથે સંવાદ' કાર્યક્રમ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો 'છાત્રા કી ગૂંજ' કાર્યક્રમ 22 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમમાં તેઓ દેશની મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ સાથે સીધો સંવાદ કરશે અને તેમના મુદ્દાઓ સાંભળશે.

અમરનાથ યાત્રાનું અંતિમ ચરણ: છડી મુબારક પ્રસ્થાન

પવિત્ર અમરનાથ યાત્રા હવે આખરી તબક્કામાં પહોંચી છે. 22 ઓગસ્ટે પવિત્ર 'છડી મુબારક' શ્રીનગરથી પહલગામ માટે રવાના થશે. 28 ઓગસ્ટે શ્રાવણ પૂનમના દિવસે પવિત્ર ગુફા ખાતે પૂજા-અર્ચના સાથે યાત્રાનું વિધિવત સમાપન થશે.

ભાવનગર ઘટના મુદ્દે આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શન

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોત મુદ્દે આપ નેતા મનોજ સોરઠિયાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આ ઘટનાને કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે 22 ઓગસ્ટે તમામ જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.

હર્ષ સંઘવીનો દિલ્હી પ્રવાસ અને બેઠકો

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 22 ઓગસ્ટે દિલ્હી પ્રવાસે રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને જન્મદિવસની ઉજવણીના આયોજન માટે યોજાનારી ખાસ બેઠકમાં તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 22 ઓગસ્ટે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. ચોમાસાની સક્રિયતાને કારણે નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે.

લાલપુરમાં સવારે વીજ પુરવઠો બંધ રહેશે

લાલપુર શહેરમાં PGVCL દ્વારા 66 KV સબસ્ટેશનમાંથી MVCC કેબલ બદલવાની કામગીરીને કારણે 22 ઓગસ્ટે સવારે 8:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી લાલપુર ટાઉન અને ટેભડા ફીડરમાં વીજળી બંધ રહેશે.

ખેડબ્રહ્મામાં 8 કલાકનો વીજકાપ

UGVCL દ્વારા ખેડબ્રહ્મા સબસ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં જરૂરી સમારકામ માટે 22 ઓગસ્ટે સવારે 8:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે, જેની અસર આસપાસના ગ્રામ્ય વિસ્તારો પર પડશે.

બુધ-કેતુના ગોચરથી રાશિઓ પર અસર

22 ઓગસ્ટે બુધ ગ્રહ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. મઘા નક્ષત્રના સ્વામી કેતુ હોવાથી 29 ઓગસ્ટ સુધી અમુક રાશિના જાતકોને આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે ની ઉજવણી

ડેરી દૂધના ટકાઉ વિકલ્પ તરીકે પ્લાન્ટ-બેઝ્ડ મિલ્કના મહત્વને સમજાવવા 22 ઓગસ્ટે વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે ઉજવાય છે. વર્ષ 2017થી શરૂ થયેલી આ ઝુંબેશ પર્યાવરણ અને પ્રાણીઓની સુરક્ષા માટે લોકોને જાગૃત કરે છે.

ધાર્મિક હિંસાના પીડિતોની સ્મૃતિનો આંતરરાષ્ટ્રીય દિવસ

સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા 22 ઓગસ્ટના દિવસને ધર્મ કે માન્યતાના આધારે થતી હિંસાના ભોગ બનેલા પીડિતોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે.

22 ઓગસ્ટની ઐતિહાસિક ઘટનાઓ

  • 1320 - ગાઝી મલિકે યુદ્ધમાં નસીરુદ્દીન ખુસરોને પરાજય આપ્યો.
  • 1639 - બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મદ્રાસ (હાલનું ચેન્નાઈ) શહેરની સ્થાપના કરી.
  • 1848 - અમેરિકાએ ન્યૂ મેક્સિકો પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો.
  • 1849 - ઇતિહાસમાં પ્રથમ હવાઈ હુમલો - ઓસ્ટ્રિયાએ વેનિસ પર માનવરહિત ફુગ્ગા વડે બોમ્બમારો કર્યો.
  • 1851 - ઓસ્ટ્રેલિયામાં સોનાની ખાણો મળી આવી.
  • 1864 - યુદ્ધના ઘાયલોની સુરક્ષા માટે 12 દેશોએ પ્રથમ જિનીવા કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા.
  • 1894 - મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડવા નાતાલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી.
  • 1902 - અમેરિકાના ડેટ્રોઇટમાં વિખ્યાત કાર કંપની 'કેડિલેક'ની સ્થાપના થઈ.
  • 1910 - જાપાને કોરિયા પર સંપૂર્ણ સૈન્ય કબજો કર્યો.
  • 1914 - પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં બ્રિટિશ અને જર્મન સૈનિકો વચ્ચે પ્રથમ લડાઈ થઈ.
  • 1921 - મહાત્મા ગાંધીએ અમદાવાદમાં વિદેશી કપડાંની હોળી પ્રગટાવી સ્વદેશી આંદોલન વધુ તેજ કર્યું.
  • 1978 - કેન્યાના પ્રથમ રાષ્ટ્રપતિ જોમો કેન્યાટ્ટાનું 83 વર્ષની વયે અવસાન થયું.
  • 1979 - ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ 6ઠ્ઠી લોકસભા ભંગ કરી.
  • 2002 - કાઠમંડુમાં સાર્ક વિદેશ મંત્રીઓની પરિષદ યોજાઈ અને નેપાળમાં પ્લેન ક્રેશમાં 16 લોકોના મોત થયા.
  • 2007 - ઇજિપ્તમાં 20 લાખ વર્ષ જૂના માનવ પગના નિશાન મળ્યા; સ્પેસ શટલ એન્ડેવર સુરક્ષિત લેન્ડ થયું.
  • 2008 - મધ્યપ્રદેશ સરકારે વનવાસીઓ પરના સામાન્ય વન ગુનાના કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો.
  • 2012 - સીરિયાના ગૃહયુદ્ધમાં 47 અને કેન્યામાં આદિવાસી સંઘર્ષમાં 48 લોકોના મોત થયા.
  • 2017 - ભારતીય સુપ્રીમ કોર્ટે એકસાથે ત્રણ તલાકની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી.

22 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • 1877 - આનાંદ કુમાર સ્વામી: ભારતના જાણીતા મહાન કલાકાર, વિચારક અને કલા ઇતિહાસકાર.
  • 1915 - સોંભુ મિત્રા: ભારતીય સિનેમા અને રંગમંચના વિખ્યાત કલાકાર, નાટ્યકાર અને દિગ્દર્શક.
  • 1919 - ગિરિજાકુમાર માથુર: હિન્દી સાહિત્યના પ્રખ્યાત કવિ અને નાટ્યકાર.
  • 1924 - હરિશંકર પરસાઈ: હિન્દી સાહિત્યના પ્રખ્યાત વ્યંગકાર અને લેખક.
  • 1934 - ઇલ્યાસ આઝમી: ભારતીય રાજકારણી અને 11મી લોકસભાના પૂર્વ સભ્ય.
  • 1935 - રેવા પ્રસાદ દ્વિવેદી: કાશીના પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન અને કવિ.
  • 1955 - ચિરંજીવી: ભારતીય સિનેમાના સુપરસ્ટાર અને પૂર્વ રાજકારણી.

22 ઓગસ્ટના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

  • 1818 - વોરન હેસ્ટિંગ: બ્રિટિશકાળમાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ.
  • 1959 - સૈયદ ફઝલ અલી: ભારતીય ન્યાયાધીશ તથા આસામ અને ઓડિશાના પૂર્વ રાજ્યપાલ.
  • 1993 - આર. ગુંડુ રાવ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી.
  • 2014 - યુ. આર. અનંતમૂર્તિ: જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કન્નડ સાહિત્યકાર અને વિચારક.
  • 2017 - ઋષંગ કીશિંગ: મણિપુરના પૂર્વ 6ઠ્ઠા મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા.
  • 2018 - ગુરુદાસ કામત: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી.
  • 2021 - સૈયદ શાહિદ હકીમ: પૂર્વ ભારતીય ફૂટબોલર અને ઓલિમ્પિયન.


આ પણ વાંચો - 21 ઓગસ્ટના દિવસભરના 10 મહત્વના સમાચાર