14 જૂનનો દિવસ દેશ અને દુનિયા સહિત ગુજરાત માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. એક તરફ જ્યાં ગુજરાતમાં હજારો યુવાનો ખાખીનું સપનું પૂરું કરવા પરીક્ષા આપશે, ત્યાં બીજી તરફ વૈશ્વિક મંચ પર ભારત પોતાની ટેકનોલોજીની તાકાત બતાવશે. આવો જાણીએ 14 જૂનના રોજ આયોજિત થનારી મુખ્ય રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને ગુજરાતની વિશેષ ઘટનાઓ વિશે.
PM મોદી અને મેક્રોં દ્વારા 'ભારત ઇનોવેટ્સ 2026'નું ઉદ્ઘાટન
ફ્રાન્સના નીસ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સંયુક્ત રીતે 'ભારત ઇનોવેટ્સ 2026'નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં 120 ભારતીય ઇનોવેટર્સ અને 500થી વધુ વૈશ્વિક રોકાણકારો ભાગ લેશે, જેમાં ડીપ ટેક પર વિશેષ ફોકસ રહેશે.
રક્ષામંત્રી રાજનાથ સિંહનો આગ્રા પ્રવાસ
રક્ષામંત્રી રાજનાથ સિંહ આગ્રાના શમશાબાદમાં મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે અને 'કિસાન, જવાન, મહિલા સ્વાભિમાન રેલી'ને સંબોધિત કરશે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો બલિયા પ્રવાસ
ઉત્તર પ્રદેશના બલિયામાં આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથામાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા હાજરી આપશે અને શ્રદ્ધાળુઓને સંબોધન કરશે.
કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાનનો બેરખેડી જટ્ટુ પ્રવાસ
કેન્દ્રીય કૃષિ મંત્રી વિદિશાના બેરખેડી જટ્ટુમાં 'મોડલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર'નો શિલાન્યાસ કરશે અને 'ખેત બચાવો અભિયાન'ની શરૂઆત કરાવશે.
યુપીમાં કૃષિ અને આરોગ્ય મેળો
ઉત્તર પ્રદેશમાં 14થી 16 જૂન દરમિયાન તમામ જિલ્લાઓમાં કૃષિ અને આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે.
CM મોહન યાદવની ઓનલાઈન યોગ અપીલ અને લાડલી બહેના યોજના
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ આયુષ મંત્રાલયના ઓનલાઈન યોગ સત્રમાં જોડાવા અપીલ કરશે. આ સાથે જ સાગર જિલ્લાના કેસલીથી 'લાડલી બહેના યોજના'નો 37મો હપ્તો જાહેર કરી 1.25 કરોડ મહિલાઓના ખાતામાં રૂ. 1500 ટ્રાન્સફર કરશે.
દિલ્હીમાં રાજકીય હલચલ
પશ્ચિમ બંગાળના નેતા શુભેન્દુ અધિકારી દિલ્હીમાં TMCના બાગી સાંસદો સાથે મહત્વની બેઠક કરશે. બીજી તરફ દિલ્હીના સીએમ રેખા ગુપ્તા યમુના સ્વચ્છતા અભિયાન 2026ની આગેવાની કરશે.
મોસમ વિભાગનું એલર્ટ
14 જૂનના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત દેશના 19 રાજ્યોમાં 90 કિમીની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વિશ્વ રક્તદાન દિવસ
દર વર્ષે 14 જૂનના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. માનવ શરીરમાં બ્લડ ગ્રૂપની શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટિનરનો જન્મ 14 જૂન 1868 ના રોજ થયો હતો, જેમની યાદમાં આ દિવસ ઉજવાય છે. તેમને વર્ષ 1930માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં દરરોજ સમયસર લોહી ન મળવાને કારણે લગભગ 12,000 લોકોના મોત થાય છે, જેથી સ્વૈચ્છિક રક્તદાન વધારવા આ દિવસ મહત્વનો છે.
સાળંગપુર કોપીરાઈટ વિવાદ: પાલનપુરમાં બ્રહ્મસમાજની મહત્વની બેઠક
બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરની મૂર્તિ અને 'કિંગ ઓફ સાળંગપુર' ટ્રેડમાર્કને લઈને ઊભો થયેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. સંત સમાજની એન્ટ્રી બાદ હવે બ્રહ્મસમાજ પણ મેદાને આવ્યો છે. આ મુદ્દે આગામી રણનીતિ નક્કી કરવા માટે 14 જૂનના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતે બ્રહ્મસમાજની એક મહત્ત્વની બેઠક મળવાની છે. જેમાં ટ્રેડમાર્ક અને કોપીરાઈટ સામે કાનૂની અને સામાજિક સ્તરે કેવી રીતે લડત આપવી તેની આખરી રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ: પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયાની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના સફળ શાસનને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ છે. 14 જૂનના રોજ પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વ્યાપક સફાઈ અભિયાન, કેન્દ્ર સરકારની ઐતિહાસિક ઉપલબ્ધિઓ દર્શાવતી પ્રદર્શની, 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અને પર્યાવરણ જાગૃતિ માટે ભવ્ય વૃક્ષારોપણ સહિતના વિવિધ લોકઉપયોગી કાર્યક્રમો યોજાશે.
અમરેલી: પ્રેમસંબંધમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, DYSP કરશે પ્રેસ કોન્ફરન્સ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. એક યુવકની પ્રેમસંબંધના કારણે ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય 3 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જે અંગે આજે 14 જૂનના રોજ DYSP (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ) પત્રકાર પરિષદ યોજીને હત્યાના સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઉઠાવશે.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને કનુ દેસાઈનો નવસારી પ્રવાસ
નવસારી જિલ્લા માટે આજનો દિવસ વિકાસ કાર્યોની દ્રષ્ટિએ મહત્વનો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ 14 જૂનના રોજ નવસારીની મુલાકાતે છે. આ હાઈપ્રોફાઈલ પ્રવાસ દરમિયાન બંને મંત્રીઓ પૂર્ણા નદી પર બની રહેલા મહત્વકાંક્ષી ટાઇડલ ડેમ પ્રોજેક્ટ અને વાઘરેચ ટાઇડલ ડેમની કામગીરીની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ નવસારી મેડિકલ કોલેજ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કરશે. પ્રવાસના અંતે તેઓ ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારંભમાં હાજરી આપી પત્રકાર પરિષદને સંબોધશે.
ગુજરાત LRD લેખિત પરીક્ષા
ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળ (LRD)ની શારીરિક કસોટી પાસ કરનાર લાખો ઉમેદવારો માટે 14 જૂનના રોજ ફાઇનલ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કોલ લેટર 6 જૂનથી ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા હતા.
ધ્રાંગધ્રા અને ઊંઝામાં રક્તદાન કેમ્પ
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ધ્રાંગધ્રામાં લોહાણા સમાજની વાડી ખાતે 14 જૂનના રોજ ભવ્ય મહા રક્તદાન કેમ્પનું આયોજન થયું છે. તો ઊંઝામાં રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા માત્ર મહિલાઓ માટે વિશેષ રક્તદાન શિબિર યોજાશે.
14 જૂને ઘટેલી ભારતની ઐતિહાસિક ઘટનાઓ
- 1947: કોંગ્રેસ કાર્યકારી સમિતિએ દેશના વિભાજન માટેની 'માઉન્ટબેટન યોજના' સ્વીકારવાનો પ્રસ્તાવ એઆઈસીસી સમક્ષ રજૂ કર્યો.
- 1958: ભારતના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ડૉ. સી. વી. રમનને મોસ્કોમાં 'લેનિન શાંતિ પુરસ્કાર' એનાયત કરાયો.
- 1972: નવી દિલ્હીના પાલમ એરપોર્ટ નજીક જાપાન એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
14 જૂને ઘટેલી વિશ્વની ઐતિહાસિક ઘટનાઓ
- 1777: અમેરિકાએ સત્તાવાર રીતે પોતાનો રાષ્ટ્રધ્વજ 'સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઇપ્સ' અપનાવ્યો અને યુએસ આર્મીની સ્થાપના થઈ.
- 1907: નોર્વેમાં મહિલાઓને સત્તાવાર રીતે મતદાન કરવાનો અધિકાર મળ્યો.
- 1938: દુનિયાની પ્રખ્યાત કોમિક કેરેક્ટર 'સુપરમેન' પ્રથમ વખત એક્શન કોમિક્સ દ્વારા પ્રકાશિત થઈ.
- 1940: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મન સેનાએ પેરિસ પર કબજો કર્યો અને પોલેન્ડમાં કોન્સન્ટ્રેશન કેમ્પ શરૂ કર્યો.
- 1962: પેરિસમાં યુરોપિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (હાલની ESA) ની સ્થાપના થઈ.
- 1982: ફોકલેન્ડ યુદ્ધમાં આર્જેન્ટિનાએ બ્રિટન સમક્ષ આત્મસમર્પણ કર્યું અને યુદ્ધ સમાપ્ત થયું.
14 જૂને જન્મેલા મહાન લોકો
- ગુરુ હરગોવિંદ સિંહ (1595): શીખ ધર્મના છઠ્ઠા ગુરુ.
- ચે ગૂવેરા (1928): વિશ્વપ્રસિદ્ધ માર્ક્સવાદી ક્રાંતિકારી.
- ડોનાલ્ડ ટ્રમ્પ (1946): અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ.
- સ્ટેફી ગ્રાફ (1969): જર્મનીની દિગ્ગજ ટેનિસ ખેલાડી.
- કિરણ ખેર (1955) અને શેખર સુમન (1960): જાણીતા બોલિવૂડ કલાકારો.
- નિખ્ત ઝરીન (1996): પ્રખ્યાત ભારતીય મહિલા બોક્સર.
પુણ્યતિથિ
- સુશાંત સિંહ રાજપૂત (2020): બોલિવૂડના અત્યંત પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મુંબઈમાં રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું.
- કે. એસ. કૃષ્ણન (1961): ભારતના મહાન ભૌતિક વૈજ્ઞાનિક.
- મેક્સ વેબર (1920/1961): પ્રખ્યાત જર્મન ફિલોસોફર અને ઇતિહાસકાર.
આ પણ વાંચો - 13 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર













