7 ઓક્ટોબરે PM Modi, RBI, ચૂંટણી પંચ, અમિત શાહ, સેવા જ્યોતિ અને ગુજરાતની હડતાળ સહિતના મોટા સમાચાર એક જ જગ્યાએ વાંચો.


Delhi: PM Modi ‘સેવા જ્યોતિ’ કાર્યક્રમમાં કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ’ કાર્યક્રમ અંતર્ગત ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમથી રાષ્ટ્રને સંબોધન કરી શકે છે. સવારે 10 વાગ્યે વડાપ્રધાનનું સંબોધન યોજાવાની શક્યતા છે. આ કાર્યક્રમમાં દિલ્હી ભાજપના આશરે 5,000 કાર્યકર્તાઓ હાજર રહેશે. વડાપ્રધાનના સંબોધન પહેલાં દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ‘સેવા જ્યોતિ’ યાત્રા પણ કાઢવામાં આવશે. વડાપ્રધાનના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને દેશભરમાં સેવા અને જનસંપર્ક સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

RBIના મોટા નિર્ણય પર સૌની નજર

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠક 5 ઓક્ટોબરથી ચાલી રહી છે. આવતીકાલે સવારે 10 વાગ્યે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા નાણાકીય નીતિ અંગેના નિર્ણયો જાહેર કરશે. આ નિર્ણય બાદ બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે. ખાસ કરીને રેપો રેટ અંગે આરબીઆઈ શું નિર્ણય લે છે તેના પર બજાર અને સામાન્ય લોકોની નજર રહેશે. વ્યાજદરમાં ફેરફાર થાય છે કે હાલની સ્થિતિ જાળવી રાખવામાં આવે છે, તે અંગે આવતીકાલે સ્થિતિ સ્પષ્ટ થશે.

New Delhi: INDIA બ્લોકના નેતાઓને ચૂંટણી પંચ મળી શકે

ચૂંટણી પંચ આવતીકાલે સવારે 10 વાગ્યે INDIA બ્લોકના નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષી નેતાઓ ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદી સાથે જોડાયેલા મુદ્દાઓ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. હવે સંભવિત બેઠકમાં વિપક્ષ પોતાની માંગણીઓ અને રજૂઆત ચૂંટણી પંચ સમક્ષ કરશે.

Gurugram: અમિત શાહ ‘વિકસિત ભારત સંકલ્પ સભા’માં જોડાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ગુરુગ્રામમાં યોજાનારી ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’માં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સફળ 25 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. કાર્યક્રમને લઈને ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.

Varanasi: નિતિન નવીન કરશે જનસભાને સંબોધન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન આવતીકાલે વારાણસીના રોહણિયા સ્થિત જગતપુર ઇન્ટર કોલેજના મેદાનમાં જનસભાને સંબોધશે. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશ અને આસામના મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને શાસનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત ‘સેવા સંકલ્પ બાઇક યાત્રા’નું પણ સમાપન થશે. વડનગરથી શરૂ થયેલી યાત્રાના આશરે 500 બાઇકર્સનું નમો ઘાટ પર સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ કાશી વિશ્વનાથ મંદિરમાં પવિત્ર જળથી જળાભિષેક કરીને બાઇકર્સ જનસભામાં પહોંચશે.

Gujarat: સેવા સંકલ્પ અભિયાનનો આવતીકાલે સમાપન કાર્યક્રમ

ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આવતીકાલે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત રહેશે. ભાજપના અધ્યક્ષ, સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ કાર્યક્રમમાં હાજર રહેશે. શહેરના વિવિધ વોર્ડમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મશાલ રેલી સાથે કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમને લઈને ભાજપ સંગઠન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Vadnagar: ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નું ભવ્ય સમાપન

વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો આવતીકાલે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં 3 રાજ્યના મુખ્યમંત્રીઓ હાજર રહેવાની માહિતી છે. સવારે 8 વાગ્યે વારાણસીથી બાઇકર્સ દ્વારા લાવવામાં આવેલા પવિત્ર જળથી પ્રાચીન હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ બાઇકર્સ સ્થાનિક પરિવારો સાથે વડાપ્રધાનના ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળશે. બપોરે 12:30 વાગ્યે વડનગર સાયન્સ કોલેજ ખાતે તમામ બાઇકર્સ દ્વારા સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવશે. સાંજે 4 વાગ્યે ભવ્ય સમાપન સમારોહ યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Somnath: ‘સેવા જ્યોતિ’ માટે 10 હજારથી વધુ કાર્યકર્તાઓનો જમાવડો

સોમનાથમાં આવતીકાલે ‘સેવા જ્યોતિ’નો ભવ્ય કાર્યક્રમ યોજાશે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે 10 હજારથી વધુ કાર્યકર્તાઓ એકત્રિત થાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે. સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને લાઈવ સંબોધન કરશે. ત્યારબાદ ‘સેવા જ્યોતિ’ પ્રગટાવવામાં આવશે. સોમનાથથી 3 અલગ-અલગ રૂટ પર સેવા જ્યોતિ યાત્રા નીકળશે. સાથે પ્રતીકાત્મક મશાલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Sabarkantha: મહેસૂલી કર્મચારીઓની આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ

સાબરકાંઠા જિલ્લામાં આવતીકાલથી મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરશે. વર્ગ-3માં ફરજ બજાવતા નાયબ મામલતદાર, ક્લાર્ક, રેવન્યુ તલાટી સહિતના કર્મચારીઓ પોતાની પડતર વિવિધ માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે હડતાળ પર ઉતરશે. કર્મચારીઓની હડતાળને કારણે સરકારી કચેરીઓની કામગીરી પર સીધી અસર થવાની શક્યતા છે. ખાસ કરીને જમીન, આવક, પ્રમાણપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની કામગીરી માટે કચેરીમાં આવતા અરજદારોને મુશ્કેલી પડી શકે છે. અચોક્કસ મુદતની હડતાળના કારણે મોટાભાગની મહેસૂલી કામગીરી ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે અરજદારો ઉપરાંત સરકારી કચેરીના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ પર પણ કામગીરીનું દબાણ વધવાની શક્યતા છે.  


આ  પણ વાંચો :   Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો