ગત 12મી જૂને અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરનાર એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 265 લોકોના મોત થયા હતાં. આ ઘટનાની કોર્ટના નિરીક્ષણ હેઠળ સ્વતંત્ર તપાસની માગ કરવામાં આવી છે. જેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ છે. કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ડીજી એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો અને ડીજી સિવિલ એવિએશનને નોટીસ આપી છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોટીસ પાઠવી
સુપ્રીમ કોર્ટમાં અરજદાર વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, આ ઘટનામાં અનેક લોકોના મોત થયાં છે જેથી આ અરજીની સુનાવણી થાય તે જરૂરી છે. આ અરજીની સુનાવણીમાં જસ્ટીસ સૂર્યકાંત અને એન.કે.સિંહની બેંચે આ મુદ્દે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ડીજી એરક્રાફ્ટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો અને ડીજી સિવિલ એવિએશનને નોટીસ આપી છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, આ દુર્ઘટના પાછળ પાયલટને જવાબદાર ઠેરવવો દુર્ભાગ્યપૂર્ણ છે. જસ્ટીસ સૂર્યકાંતે અરજદારને કહ્યું હતું કે, નિષ્પક્ષ તપાસની વાત સમજાય છે પણ અરજીમાં આટલી બધી બાબતો સાર્વજનિક કરવાની માગ કેમ કરવામાં આવી છે? અરજદાર વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, એફડીઆર દરેક ભૂલો અને સમસ્યાનો રેકોર્ડ રાખે છે.
પાયલટને જવાબદાર ઠેરવવો દુર્ભાગ્યપૂર્ણ
જસ્ટીસ સૂર્યકાંતે કહ્યું હતું કે, હાલમાં તેને સાર્વજનિક કરવી યોગ્ય નથી. અરજદાર દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં AAIBના પ્રારંભિક રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ રિપોર્ટ પર સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે, આ રિપોર્ટમાં કેટલીક મહત્વની જાણકારીને છુપાવવામાં આવી છે. તમામ પ્રકારનો દોષનો ટોપલો પાયલટ પર ઢોળવામાં આવ્યો છે. આ સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, પાયલટને જવાબદાર ઠેરવવો દુર્ભાગ્યપૂર્ણ છે. અરજદાર વકીલે કહ્યું હતું કે, આ ઘટનામાં કેટલાક પાયલટ અને પીડિતોના પરિવારજનોએ મારો સંપર્ક કર્યો હતો. તેમને એવું લાગે છે કે, પ્રારંભિક રિપોર્ટમાં એક રહસ્યમય વાક્ય છે જેને આંતરરાષ્ટ્રીય મીડિયાને એવું બતાડવા માટે ઉપયોગ કર્યો છે કે, આ ઘટનામાં પાયલટની ભૂલ હતી. આ મામલે પ્રાઈવસીને કોઈ સ્થાન નથી.
અરજદારની શું દલીલ હતી
જસ્ટીસ સૂર્યકાંતે કહ્યું હતું કે, માની લો કે કાલે કોઈ એવું કહે કે એક્સ પાયલટ જવાબદાર છે અને આખરી તપાસમાં તે નિર્દોષ સાબિત થાય છે ત્યારે શું થશે. અરજદારે કહ્યું હતું કે, હું પોડકાસ્ટ એરલાઈન મેન્ટર્સ જોઈ રહ્યો છું. તેઓ ખૂબ જ ગંભીર અને જવાબદાર લોકો છે. તેઓ દરેક ચીજની તપાસ કરી રહ્યાં છે. તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, આ દુર્ઘટના પાછળ પાયલટની કોઈ ભૂલ નહોતી. પ્લેનમાં વિદ્યુત સિસ્ટમ ફેલ થઈ ગઈ અને પરિણામે બંને એન્જિન બંધ થઈ ગયા હતાં. જસ્ટીસ સૂર્યકાંતે કહ્યું હતું કે, માહિતીને લીક કરવાની જગ્યાએ તેને ત્યાં સુધી જાહેર ના કરવી જોઈએ જ્યાં સુધી નિયમિત તપાસ કોઈ તર્ક સંગત નિષ્કર્ષ પણ ના પહોંચે.