4 જૂનના રોજ સમગ્ર દેશમાં રાજકીય, રમતગમત, પર્યાવરણ અને વિજ્ઞાન ક્ષેત્રે અનેક મોટી અને મહત્વની ઘટનાઓ આકાર લેવા જઈ રહી છે.
કેરળમાં ચોમાસાનું ધમાકેદાર આગમન
સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, તે ચોમાસું આખરે 4 જૂનના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દેશે. હવામાન વિભાગ (IMD) એ અગાઉ 26 મેના રોજ ચોમાસું આવવાની આગાહી કરી હતી, પરંતુ પવન અને વાતાવરણ સાનુકૂળ ન હોવાથી તેની ગતિ ધીમી પડી હતી. હવે 4 જૂને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની પૂરેપૂરી સંભાવના છે.
શિલોંગમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મોટી બેઠક
મેઘાલયના શિલોંગ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉત્તર પૂર્વીય પરિષદ (North Eastern Council)ની એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં નોર્થ ઈસ્ટના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો ભાગ લેશે. આ પરિષદ પૂર્વોત્તર રાજ્યોના વિકાસ અને સહકારી સંઘવાદને મજબૂત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
અમદાવાદમાં 'વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026'નો પ્રારંભ
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં પ્રથમવાર 'વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026' (World Yogasana Championship 2026) શરૂ થવા જઈ રહી છે. સાંજે 5:00 વાગ્યે આ ભવ્ય સ્પર્ધાનું ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને યોગગુરુ બાબા રામદેવ ખાસ ઉપસ્થિત રહેશે.
રાહુલ ગાંધીનો બે દિવસનો ઉત્તરાખંડ પ્રવાસ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 4 અને 5 જૂનના રોજ ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસે જશે. વર્ષ 2027માં યોજાનારી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આ પ્રવાસનું આયોજન કરાયું છે. તેઓ 4 જૂને ઉત્તરાખંડના કોટદ્વારમાં દીપક કુમાર ઉર્ફે 'મોહમ્મદ દીપક' સાથે મુલાકાત કરશે.
વારાણસીમાં બ્રિક્સ (BRICS) સંસ્કૃતિ કાર્ય જૂથની બેઠક
ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીમાં 4 અને 5 જૂનના રોજ બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય જૂથની બીજી બેઠક યોજાશે. ભારતની બ્રિક્સ 2026ની થીમ 'લચીલાપણું, નવીનતા, સહકાર અને ટકાઉપણું'ને આધારે આ બેઠકમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સહયોગને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવશે.
IISTમાં એરોસ્પેસ સિમ્પોઝિયમ 'ASTRA 2026' શરૂ થશે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (IIST) ના એરોસ્પેસ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 4 થી 6 જૂન દરમિયાન ત્રણ દિવસીય રાષ્ટ્રીય એરોસ્પેસ સિમ્પોઝિયમ (ASTRA 2026) નું આયોજન કરવામાં આવ્યું છે. વલિયામાલા સ્થિત IIST કેમ્પસમાં લિક્વિડ પ્રપલ્ઝન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) ના ડાયરેક્ટર એન. જયન આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ વર્ષે 'સ્પ્રિંગર' પબ્લિશિંગ હાઉસ આ ઈવેન્ટનું પાર્ટનર છે.
ગુજરાતની RTO કચેરીઓ રાબેતા મુજબ શરૂ થશે
રાજ્યભરની આરટીઓ (RTO) કચેરીઓ 4 જૂનથી સામાન્ય દિવસોની જેમ શરૂ કરી દેવામાં આવશે. કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે કચેરીની બહાર સફેદ રંગથી એક-એક મીટરના અંતરે ગોળ કુંડાળા (સર્કલ) બનાવવામાં આવ્યા છે.
ગુજરાત હાઇકોર્ટમાં વેકેશન પૂર્ણ, જીકાસ મુદ્દે સુનાવણીની શક્યતા
હાઇકોર્ટમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં 4 જૂનથી કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થઈ જશે. એડમિશન પ્રક્રિયાને લઈને 'જીકાસ' (GICAS) પોર્ટલના કારણે વિદ્યાર્થીઓને જે હાલાકી પડી રહી છે, તે અંગે હાઇકોર્ટમાં અરજી થવાની સંભાવના છે, જેના પર સૌની નજર રહેશે.
અમદાવાદ મનપાની પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની નવી બનેલી પહેલી સ્ટેન્ડિંગ કમિટીની અગત્યની બેઠક 4 જૂને સાંજે 4:00 વાગ્યે યોજાશે, જેમાં શહેરના વિકાસલક્ષી કામો અને ચોમાસાની તૈયારીઓ અંગે ચર્ચા થઈ શકે છે.
સ્વર્ગવાસી ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ યાત્રા
દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના દેહના અંતિમ દર્શન 4 જૂને સવારે 9:30 વાગ્યે યોજાશે. ત્યારબાદ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી તેમની અંતિમ યાત્રા નીકળીને ખાસવાડી સ્મશાનગૃહ પહોંચશે, જેમાં રાજ્યના મોટા નેતાઓ હાજરી આપશે.
અમરેલીના બગસરામાં 6 કલાકનો વીજકાપ
અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં 4 જૂન, ગુરૂવારના રોજ PGVCL દ્વારા સવારે 8:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રાખવામાં આવશે. મેઇન્ટેનન્સની આ કામગીરીને કારણે ભૂતનાથ ફીડર, રફાળા ખેતીવાડી ફીડર અને આદપુર ખેતીવાડી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજળી ગુલ રહેશે.
આ પણ વાંચો - Amreli News: ચલાળામાં વીજળીનો કહેર, PGVCL કચેરીના ટ્રાન્સફોર્મરમાં લાગી આગ













