દિવાળી પર્વ નિમિત્તે 8 નવેમ્બરના રોજ દેશભરમાં ધાર્મિક અને રાષ્ટ્રીય કાર્યક્રમો યોજાશે. દેશભરમાં દિવાળીની ઉજવણી થશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. બીજી તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહ સિક્કિમની સરહદે જવાનો સાથે પર્વની ઉજવણી કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં રામલલાનાં દર્શન અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

દિવાળીના દિવસે ચોપડાપૂજન

દેશભરમાં 8 નવેમ્બરના રોજ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવશે. વેપારીઓ દ્વારા પરંપરા મુજબ ચોપડાપૂજન કરવામાં આવશે અને નવા વર્ષના હિસાબની શરૂઆત થશે. દિવાળીની રાત્રે મુસાફરો અને મેટ્રો કર્મચારીઓની સુવિધા માટે દિલ્હી મેટ્રોની તમામ લાઇન પર છેલ્લી ટ્રેન સામાન્ય સમય રાત્રે 11 વાગ્યાના બદલે રાત્રે 10 વાગ્યે ઉપડશે.

PM મોદી જવાનો સાથે મનાવશે દિવાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની 12 વર્ષ જૂની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. દેશની સરહદોનું રક્ષણ કરતા જવાનો સાથે પર્વની ઉજવણી કરીને તેઓ તેમનું મનોબળ વધારશે.

રાજનાથ સિંહ સિક્કિમની સરહદે જશે

રક્ષામંત્રી રાજનાથ સિંહ 8 નવેમ્બરના રોજ સિક્કિમની મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ ભારત-ચીન સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ નાથુ લા અને શેરથાંગ વિસ્તારમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.

યોગી આદિત્યનાથ અયોધ્યામાં કરશે દર્શન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 7 અને 8 નવેમ્બરના બે દિવસીય અયોધ્યા પ્રવાસે છે. દિવાળીની સવારે તેઓ અયોધ્યામાં વિવિધ ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે.

- સવારે 07:50 કલાકે હનુમાનગઢી મંદિરે પહોંચીને હનુમાનજીનાં દર્શન અને વિશેષ પૂજા કરશે.

- સવારે 08:05 કલાકે શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલાનાં દર્શન અને આરતીમાં ભાગ લેશે.

- સવારે 08:20 કલાકે રામઘાટ હોલ્ટ નજીક આવેલી નિષાદ બસ્તી અને અશોક સિંઘલ વોર્ડમાં જઈ સ્થાનિક લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવશે. 


આ પણ વાંચો :    Ayodhya Deepotsav 2026 : રામ કી પૈડી ઘાટ દીવડાઓની રોશનીથી ઝળહળ્યો, 30 લાખ દીવડા પ્રગટાવાયા