આવતીકાલે, 3 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણે મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે રહેશે. આ ઉપરાંત ચક્રવાત ‘મુરાસુ’ને લઈને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં મેયરના નામની સત્તાવાર જાહેરાત થશે, જ્યારે મુખ્યમંત્રી વલસાડ અને વાપીમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન મોદી પુણે મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 નવેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આશરે ₹21,800 કરોડના પુણે મેટ્રો પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.

અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 નવેમ્બરના રોજ છત્તીસગઢના પ્રવાસે રહેશે. તેઓ રાયપુરમાં આર્ટિમિસ શાંતિ હોસ્પિટલનું ઉદ્ઘાટન અને વિકસિત ભારત સંકલ્પ પાર્કનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યાથી યોજાનારા છત્તીસગઢ રાજ્યોત્સવના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ચક્રવાત ‘મુરાસુ’ને લઈને રેડ એલર્ટ

ચક્રવાતી તોફાન ‘મુરાસુ’ 3 નવેમ્બરની સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતની ગતિ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમો

ભાજપના અધ્યક્ષ નિતિન નવીન 3 નવેમ્બરથી ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શરૂ થનારા 3 દિવસના સંગઠનાત્મક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમો 3થી 5 નવેમ્બર સુધી યોજાશે. ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પ્રદર્શન મામલે સુનાવણી

દિલ્હીમાં થયેલા પ્રદર્શનો અને જંતર-મંતર ખાતે પોલીસ કાર્યવાહી સંબંધિત કેસોની સુનાવણી આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે.

ગાંધીનગર મહાનગરપાલિકાને આવતીકાલે મળશે મેયર

ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા આવતીકાલે મળશે. બપોરે 12 વાગ્યે મળનારી સામાન્ય સભામાં મેયરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

મુખ્યમંત્રી વલસાડ અને વાપીની મુલાકાતે

આવતીકાલે વલસાડ જિલ્લામાં રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પધારશે. વલસાડ ખાતે જિલ્લા પંચાયતના ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જ્યારે વાપી ખાતે 150 બેડની મિની હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. 


આ પણ વાંચો :   Rajkot: હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં 40 કલાક બાદ પણ તપાસના નામે મીંડું, વગદારોને બચાવવાના આક્ષેપ