જયપુરના રામનગરીયા વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયાના ATMમાં થયેલી ₹41.70 લાખની લૂંટના કેસમાં પોલીસે અંશુ નામની યુવતીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, યુવતી ATMની આસપાસ રેકી કરીને પોતાના બોયફ્રેન્ડ અને સાથીદારોને રોકડ પહોંચ્યાની માહિતી આપતી હતી. પોલીસે તેની પાસેથી ₹26.80 લાખ રોકડા જપ્ત કર્યા છે.
ATMમાં કેશ પહોંચતા જ બોયફ્રેન્ડને ફોન
ઘટના 14 સપ્ટેમ્બરની સવારે બની હતી. બેંક કર્મચારીઓ ATMમાં રોકડ ભરવા માટે પહોંચ્યા ત્યારે અંશુ પહેલેથી જ આસપાસ હાજર હોવાનો પોલીસનો દાવો છે. કેશ પહોંચતાની સાથે જ તેણે પોતાના બોયફ્રેન્ડ મસ્તરામ મીણાને ફોન કરીને જાણ કરી હતી.
તુરત જ લૂંટારા આવી ગયા
થોડી જ વારમાં બાઈક પર આવેલા શખ્સોએ હથિયાર બતાવી બેંક કર્મચારીઓને ધમકાવ્યા અને ATMમાં લાવવામાં આવેલી ₹41.70 લાખની રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા.
બેંક કર્મચારી સાથેના સંપર્કથી લૂંટનું પ્લાનિંગ
પ્રાથમિક તપાસમાં મસ્તરામ મીણા બેંક સાથે જોડાયેલા એક કર્મચારીના સંપર્કમાં હતો હોવાનું સામે આવ્યું છે. આ સંપર્કના આધારે ATMમાં મોટી રકમ પહોંચવાની માહિતી મળી અને ત્યારબાદ લૂંટનું કથિત આયોજન કરવામાં આવ્યું હતું.
લૂંટ બાદ રકમના ભાગલા પાડ્યા
પોલીસના જણાવ્યા મુજબ, લૂંટ બાદ આરોપીઓએ રકમ અલગ-અલગ ભાગમાં વહેંચી હતી. અંશુને કારમાં થોડે દૂર રહેલા સાથીદાર પાસે મોકલવામાં આવી હતી. રકમનો એક હિસ્સો તેના રૂમમાં રાખેલા સૂટકેસમાં છુપાવવામાં આવ્યો હતો, જ્યારે બીજો હિસ્સો અન્ય આરોપી સાથે લઈ ગયો હતો. પોલીસનો એવો પણ દાવો છે કે નાકાબંધીથી બચવા માટે અંશુના કપડાં બદલાવવામાં આવ્યા હતા.
બોયફ્રેન્ડ સહિત 3 આરોપીઓ ફરાર
પોલીસે અંશુની ધરપકડ કરીને તેની પાસેથી ₹26.80 લાખ જપ્ત કર્યા છે. હવે બાકી રહેલી રકમની શોધખોળ ચાલી રહી છે. અંશુનો બોયફ્રેન્ડ મસ્તરામ મીણા સહિત 3 આરોપીઓ હજુ ફરાર છે.
પોલીસની તપાસ શરુ
પ્રાથમિક તપાસમાં આરોપીઓ પર દેવું હોવાનું અને તે ચૂકવવા માટે લૂંટનું કાવતરું ઘડાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, બેંક કર્મચારીની ભૂમિકા, રકમની વહેંચણી અને સમગ્ર કાવતરું અંગેની હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video