કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના તાજેતરના નિવેદનથી ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માટે ગુજરાતીઓની જાહેર માફી માંગી છે. ગુજરાત ભાજપ અને સોશિયલ મીડિયા પર થયેલા ભારે વિરોધ બાદ ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટ મૂકીને પોતાની દિલગીરી વ્યક્ત કરી છે.
દિલથી દિલગીરી વ્યક્ત કરું છું: ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, હું મારા નિવેદન બદલ દિલથી દિલગીરી વ્યક્ત કરું છું. મારો ઇરાદો ક્યારેય પણ ગુજરાતી ભાઈ-બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવાનો હતો નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમના શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હોય અથવા તેનાથી કોઈને દુઃખ થયું હોય તો તેઓ ક્ષમાપ્રાર્થી છે.
ગુજરાત માટે હંમેશા આદર રહ્યો છે
પોતાના સ્પષ્ટીકરણમાં કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે. આ રાજ્ય માટે મને હંમેશા સૌથી વધુ આદર રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે. કોંગ્રેસ પક્ષ હંમેશા ગુજરાતના વિકાસ અને ગૌરવનો પક્ષધર રહ્યો છે.
રાજકીય ગરમાવા બાદ લીધો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ખડગેના 'મૂર્ખ અને અભણ' વાળા નિવેદન બાદ ગુજરાત ભાજપે આક્રમક વલણ અપનાવ્યું હતું. સુરતમાં ભાજપ પ્રવક્તા હેમાલી બોઘાવાલા સહિતના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખડગે પાસે માફીની માગ કરી હતી. ચારેતરફથી ઘેરાયા બાદ અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઈકમાન્ડે ડેમેજ કંટ્રોલ માટે આ માફી માગી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ખડગેની આ માફી બાદ ગુજરાત ભાજપ અને જનતાનો રોષ શાંત પડે છે કે કેમ.
આ પણ વાંચો - Surat News: ખડગેના નિવેદન પર સુરત ભાજપના આકરા પ્રહાર, ‘મૂર્ખ અને અભણ શબ્દ વાપરવો યોગ્ય નથી, કોંગ્રેસ માફી માંગે’