ગુજરાતનો એક પરિવાર વેકેશન માટે કર્ણાટક પહોંચ્યો હતો, પરંતુ તેમની ખુશી ત્યારે દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ જ્યારે તેમની હોડી પલટી ગઈ. આ ઘટનામાં પતિ-પત્નીના મોત થયા, જ્યારે તેમના બાળકોને બચાવી લેવામાં આવ્યા. કર્ણાટકના કોડાગુ જિલ્લામાં આવેલા હારંગી બેકવોટર્સમાં હોડી દુર્ઘટનામાં ગુજરાતના દંપતીનું મૃત્યુ થયું છે. તેમના બે બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, હારંગી બેકવોટર્સમાં હોડી પલટી જવાથી આ દુર્ઘટના થઈ હતી.
પરિવાર ગુજરાતના સુરતનો હતો
મૃતકોની ઓળખ ધર્મેશ (૫૦) અને તેમની પત્ની નિમ્મી (૪૮) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ ગુજરાતના સુરતના રહેવાસી હતા. તેમના બે બાળકો એક પુત્ર અને એક પુત્રીને બચાવી લેવાયા છે; પુત્રની ઉંમર 21 વર્ષ અને પુત્રીની ઉંમર 24 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
હોડી સફર દરમિયાન લાઈફ જેકેટ પહેરેલા હતા
પોલીસના જણાવ્યા મુજબ, આ પરિવાર શુક્રવારે સાંજે તે વિસ્તારમાં એક ખાનગી કંપની દ્વારા સંચાલિત વોટર એડવેન્ચર પ્રવૃત્તિઓના ભાગરૂપે બોટિંગ કરવા ગયો હતો. જ્યારે હોડી પલટી ગઈ ત્યારે ચારેય વ્યક્તિઓએ લાઈફ જેકેટ પહેરેલા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સંભવતઃ દંપતી પલટી ગયેલી હોડીની નીચે ફસાઈ ગયા અને ડૂબી ગયા. જ્યારે તેમના બાળકો પાણીમાં પડ્યા હતા અને તેમને બાદમાં બચાવી લેવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો
કુશલનગર ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં હોડી સંચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (બેદરકારીથી મૃત્યુ નિપજાવવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: Airfare: છઠ પૂજા અને લગ્નસરાની સીઝન પહેલાં હવાઈ ભાડામાં આસમાને, 15 દિવસમાં ભાડામાં 50 ટકા ઉછાળો