હરિયાણાના ગુરુગ્રામમાંથી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ટ્રાફિક પોલીસે રોંગ સાઇડમાં આવી રહેલી એક સ્કૂટીને રોકીને તપાસ કરતા જ અધિકારીઓ દંગ રહી ગયા હતા. માત્ર 50 હજાર રૂપિયાની કિંમત ધરાવતી સ્કૂટી પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 96 પેન્ડિંગ ચલાન અને 10 લાખ રૂપિયાનો દંડ બાકી બોલતો હતો.
રોંગ સાઇડમાં હેલમેટ વગર જઈ રહ્યો હતો યુવક
મળતી માહિતી મુજબ, ગુરુગ્રામના રાજીવ ચોક વિસ્તારમાં ઝોનલ ઓફિસર અને એએસઆઈ વિજય સિંહ પોતાની ટીમ સાથે વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન રાજીવ ચોક તરફથી મેદાનતા હોસ્પિટલ તરફ એક યુવક રોંગ સાઇડમાં સ્કૂટી લઈને આવતો દેખાયો. યુવકે માથા પર હેલમેટ પણ પહેર્યું નહોતું. પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરી ત્યારે તેનું નામ પ્રશાંત હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે તેની પાસે સ્કૂટીના કાગળો માંગવામાં આવ્યા ત્યારે તે કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો.
સિસ્ટમમાં નંબર નાખતાં જ પોલીસ ચોંકી ગઈ
કાગળો ન હોવાથી પોલીસે સ્કૂટીના નંબર પરથી સિસ્ટમમાં વિગતો તપાસી હતી. ડેટા સામે આવતાં જ ટ્રાફિક પોલીસકર્મીઓના હોશ ઉડી ગયા હતા. મોટર વાહન અધિનિયમ 1988ની વિવિધ કલમો હેઠળ આ સ્કૂટી પર કુલ 96 ચલાન પેન્ડિંગ બોલતા હતા. આમાંથી 1 ચલાન હેન્ડહેલ્ડ મશીન દ્વારા અને 95 ચલાન ટ્રાફિક કેમેરા દ્વારા કાપવામાં આવ્યા હતા. આ તમામ ચલાનનો કુલ દંડ અંદાજે 10 લાખ રૂપિયા થતો હતો.
બહેનના નામે રજિસ્ટર્ડ છે સ્કૂટી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના ચલાન હેલમેટે વગર વાહન ચલાવવા, વીમો (ઇન્સ્યોરન્સ) ન હોવો, પોલ્યુશન (PUC) ન હોવું અને વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવા બદલ કાપવામાં આવ્યા હતા. આ તમામ ચલાન વર્ષ 2025 અને 2026 દરમિયાન સતત ફાડવામાં આવ્યા હતા. યુવકે જણાવ્યું કે 2017 મોડેલની આ સ્કૂટી તેની બહેનના નામે રજિસ્ટર્ડ છે અને તે પોતે મેદાનતા હોસ્પિટલ પાસે આવેલી એક મેડિકલ શોપમાં કામ કરે છે.
ટ્રાફિક પોલીસે નિયમાનુસાર કડક કાર્યવાહી કરીને સ્કૂટીને જપ્ત કરી લીધી છે. આ સાથે પોલીસે તમામ વાહનચાલકોને ચેતવણી આપતાં સલાહ આપી છે કે પોતાના પેન્ડિંગ ઇ-ચલાન સમયસર ભરી દેવા જેથી આવી મોટી મુશ્કેલીમાંથી બચી શકાય.
આ પણ વાંચો: UK Politics: બ્રિટનની સત્તા પર મુસ્લિમો કબજો કરશે? કેમ 2029ની ચૂંટણીમાં બદલાઈ જશે યુકેનું રાજકારણ