હરિયાણામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓના આશરે ₹504 કરોડના કથિત ગોટાળાના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ વધુ 19 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. પંચકુલાની વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલી આ ત્રીજી ચાર્જશીટમાં હરિયાણા કેડરના 6 IAS અધિકારીઓ ઉપરાંત બે ખાનગી બેન્કોના અધિકારીઓ અને રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓના નામ સામેલ છે.

બેન્કોના કેટલાક અધિકારીઓ સાથે મળીને કથિત રીતે સુનિયોજિત ષડયંત્ર રચ્યું

CBIના જણાવ્યા અનુસાર ચાર્જશીટમાં IAS અધિકારીઓ રામ કુમાર સિંહ, મોહમ્મદ શાહીન, પ્રદીપ કુમાર, સાકેત કુમાર, વિનિત ગર્ગ અને પંકજ અગ્રવાલને આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત IDFC ફર્સ્ટ બેન્કના અધિકારીઓ શમીમ અહમદ ડાર, સુધા ગોયલ અને કુલદીપ સિંહ તેમજ AU સ્મોલ ફાઇનાન્સ બેંકના ચરણજીત સિંહ રંધાવાનું નામ પણ ચાર્જશીટમાં છે.

CBIએ હરિયાણા સરકારના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીનો આરોપ છે કે સરકારી કર્મચારીઓએ બેન્કોના કેટલાક અધિકારીઓ સાથે મળીને કથિત રીતે સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. આ ષડયંત્ર હેઠળ હરિયાણા સરકારના વિવિધ વિભાગોના નાણાં અન્ય અધિકૃત બેન્કોમાંથી IDFC ફર્સ્ટ બેન્ક અને AU સ્મોલ ફાઈનાન્સ બેન્કની ચોક્કસ શાખાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

વિશ્વાસઘાત અને ઉશ્કેરણી સહિતના આરોપો લગાવવામાં આવ્યા 

CBIના જણાવ્યા મુજબ, કથિત ગોટાળા માટે આ બેન્ક શાખાઓમાં ખાસ ખાતા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારી નાણાંને વિવિધ બેન્ક ખાતાઓ મારફતે અનેક વખત ટ્રાન્સફર કરીને એવા તૃતીય પક્ષોના ખાતામાં મોકલવામાં આવ્યા હતા, જેમનો સંબંધ સરકારી વિભાગો સાથે નહોતો. તપાસ એજન્સીનો દાવો છે કે બાદમાં આ રકમને રોકડમાં ફેરવવામાં આવી હતી. આ કેસમાં ક્રિમિનલ કન્સ્પિરસી, છેતરપિંડી, ષડયંત્ર, પુરાવાનો નાશ, ખોટા દસ્તાવેજોનો ઉપયોગ, ખાતામાં હેરફેર, વિશ્વાસઘાત અને ઉશ્કેરણી સહિતના આરોપો લગાવવામાં આવ્યા છે. સાથે જ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ લાંચ અને ગુનાહિત ગેરવર્તણૂકના આરોપો પણ સામેલ છે.

26 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી

આ કથિત ગોટાળાની અસર હરિયાણા સરકારના 8 વિભાગો અને સંસ્થાઓ પર પડી હોવાનું CBIએ જણાવ્યું છે. તેમાં પંચાયત વિભાગ, પંચકુલા અને કાલકા નગર નિગમ, હરિયાણા સ્કૂલ એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ, હરિયાણા લેબર વેલફેર બોર્ડ, હરિયાણા સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, હરિયાણા સ્ટેટ એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડ અને હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડનો સમાવેશ થાય છે.

આ નવી ચાર્જશીટ બાદ કેસમાં અત્યાર સુધી કુલ 37 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. CBIએ અત્યાર સુધી 54 સ્થળોએ દરોડા પાડ્યા છે અને આશરે ₹20 કરોડની કિંમતનું સોનું સહિત અનેક મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 26 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. CBIએ ચંડીગઢ સ્માર્ટ સિટી લિમિટેડ, ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને CREST સાથે જોડાયેલા કેટલાક અન્ય કેસોની તપાસ પણ પોતાના હાથમાં લીધી હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો : Satyendra Jainને મળ્યા જામીન, જલ બોર્ડ ટેન્ડર કૌભાંડમાં થઈ હતી ધરપકડ