હિમાચલ પ્રદેશમાં જારી કરાયેલા રેડ એલર્ટ વચ્ચે કુદરતે પોતાનો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કાંગડા જિલ્લાના શાહપુર વિધાનસભા મતવિસ્તારની બોહ ખીણમાં અચાનક વાદળ ફાટવાથી ભારે તારાજી સર્જાઈ છે. સ્પાડા અને ગઢગુન ગામમાં આવેલા અચાનક પૂરને કારણે છ જેટલા ઘરો પાણીમાં તણાઈ ગયા છે અને કાટમાળ ઘરોમાં ઘૂસી ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે એસડીઆરએફ (SDRF) ની ટીમને તાત્કાલિક મેદાનમાં ઉતારવામાં આવી છે.

પરિસ્થિતિ પર સતત રાખી રહ્યા છે નજર

શાહપુરના એસડીએમ અને કાંગડાના ડીસી હેમરાજ બૈરવા સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ડિબ્બા અને માનેડ નાલા વિસ્તારોમાં મોટા પાયે ભૂસ્ખલન થવાના કારણે મુખ્ય રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેના કારણે બચાવ કામગીરીમાં પણ થોડી અડચણો આવી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ લામ ગામ સહિતના આસપાસના જોખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ ચાલી રહી છે.

નેપાળી મહિલાનું થયું મોત

આ ઉપરાંત, સોલન જિલ્લાના દ્યુનઘાટ વિસ્તારમાં પણ એક દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં રાત્રે રસ્તાની બાજુમાં બેઠેલા એક યુવક અને 40 વર્ષીય મહિલા અચાનક સંતુલન ગુમાવીને ઊંડા કોતરમાં પડી ગયા હતા. આ અકસ્માતમાં નેપાળી મૂળની મહિલાનું માથું પથ્થર સાથે અથડાવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે 28 વર્ષીય યુવક સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો છે અને ફોરેન્સિક ટીમની મદદથી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

25 જુલાઈ સુધી ભારે વરસાદનું અપાયું એલર્ટ

હવામાન વિભાગની ચેતવણી અનુસાર, હિમાચલ પ્રદેશમાં આગામી 25 જુલાઈ સુધી ભારે વરસાદનું સંકટ યથાવત રહેશે. ચંબા, કાંગડા, મંડી, કુલ્લુ, સિરમૌર, શિમલા, સોલન, કિન્નૌર અને લાહૌલ-સ્પિતિ સહિતના નવ જિલ્લાઓમાં અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) અને ભૂસ્ખલનનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં આ ક્ષેત્રોમાં 100 મીમી સુધીનો વરસાદ નોંધાયા બાદ આગામી સમયમાં 130 મીમી સુધીનો ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જમીન પહેલેથી જ પાણીથી સંતૃપ્ત હોવાથી ટૂંકા ગાળાના ભારે વરસાદમાં પણ પૂર આવવાની પૂરી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ CJP Protest: શું સાદા કપડામાં રહેલા પોલીસકર્મીઓ વિરોધ પ્રદર્શનોમાં લાઠીચાર્જ કરી શકે ખરી?