હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના લઘાટીમાં કાનૂન નામની ઊંચી ટેકરી પર વહેલી સવારે વાદળ ફાટ્યા બાદ અચાનક પૂર આવ્યું. વાદળ ફાટવાના કારણે કાનૂનમાં ત્રણ દુકાનો ધોવાઈ ગઈ અને પૂરના કારણે લોકોની જમીન, બગીચા અને પાકને ભારે નુકસાન થયું છે. બીજી તરફ, સરવરી ખાડમાં પાણીના સ્તરમાં ભારે વધારો નોંધવામાં આવ્યો છે. પૂરના કારણે એક પુલને નુકસાન થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની અવરજવર પર અસર પડી છે.
કાનૂન ગામમાં બુબુ નાળા પર બનેલો પુલ ધોવાઈ ગયો છે
કાનૂન ગામમાં બુબુ નાળા પર બનેલો પુલ ધોવાઈ ગયો છે અને ત્રણ દુકાનો તણાઇ ગઇ છે. એક સ્થાનીકે આપવીતી જણાવતા કહ્યું કે તે આખી રાત ઊંઘ્યો નથી. યુવકે કહ્યું કે ગામનો સંપર્ક કપાઈ ગયો છે અને વાદળ ફાટવાથી અને મોટા પથ્થરો રસ્તા પર આવી ગયા બાદ ઘણું નુકસાન થયું છે.
અચાનક આવેલા પૂરને કારણે ઘણું નુકસાન થયું છે
કુલ્લુ નજીક સરવરીમાં અચાનક આવેલા પૂરને કારણે ઘણું નુકસાન થયું છે અને રસ્તાનો એક ભાગ તૂટી ગયો છે. તે જ સમયે, ભૂતનાથ મંદિર પાસે બસ સ્ટેન્ડને જોડતા રસ્તા પર ઊંડી તિરાડો પડી ગઈ છે અને સલામતી માટે બનાવેલો બંધ ધોવાઈ ગયો છે. આ ઉપરાંત, હનુમાન બાગને જોડતો ફૂટબ્રિજ પણ તૂટવાની આરે છે, જેના કારણે સ્થાનિક લોકોની અવરજવર માટે સંકટ સર્જાયું છે. વહીવટીતંત્રે લોકોને નદી કિનારે જવાનું ટાળવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે.
કુલ્લુ જિલ્લા વહીવટીતંત્રે ગઈકાલ રાતથી પડી રહેલા વરસાદને કારણે બંજર અને કુલ્લુ સદરમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કુલ્લુના ડીસી એસ. રવિશ (IAS) એ આદેશ જારી કર્યો અને કહ્યું કે વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હોવાના, પુલ ધોવાઈ ગયા હોવાના અને ઘણી જગ્યાએ નુકસાન થવાના અહેવાલો છે. ભારતીય હવામાન વિભાગે 19 ઓગસ્ટ, 2025 માટે કુલ્લુ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.