હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસાએ ભારે તબાહી મચાવી છે, જેના કારણે રાજ્યમાં જાનમાલનું મોટા પાયે નુકસાન થયું છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂર જેવી કુદરતી આફતોના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) ના તાજેતરના અહેવાલ મુજબ, ૩૦ જૂનથી ૯ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ચોમાસાના પ્રકોપને કારણે ઓછામાં ઓછા ૧૫૭ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 257 ઘાયલ થયા છે.

અનેક લોકોએ ગુમાવ્યા જીવ

આ ભયાનક આફતમાં 89 લોકોના મોત માર્ગ અકસ્માતોને કારણે થયા છે, જ્યારે 68 લોકો ભૂસ્ખલન, પાણીમાં ડૂબવા, સાપ કરડવાથી અથવા ઊંચાઈ પરથી પડી જવાથી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં સૌથી વધુ 24 મોત ચંબા જિલ્લામાં નોંધાયા છે. આ ઉપરાંત, કુલ્લુ અને કાંગડામાં 21, રાજધાની શિમલામાં 20 તેમજ લાહૌલ અને સ્પીતિમાં 18 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું જોખમ યથાવત છે અને પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 900 મિલકતોને પહોંચ્યુ નુકસાન

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં આશરે 900 જેટલી મિલકતો અને જાહેર સવલતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સરકારને અંદાજે 886 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આ આપત્તિને કારણે સમગ્ર રાજ્યમાં ૨૫૯ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. જેમાં મંડી જિલ્લામાં સૌથી વધુ 120 રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે, જ્યારે ચંબામાં 42, કુલ્લુમાં 40 અને શિમલામાં 30 રસ્તાઓ બંધ છે. રસ્તાઓ બંધ થવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સતત વરસાદે હિમાચલના હાલ કર્યા બેહાલ

આ વિનાશક સ્થિતિ પાછળના કારણો અંગે લોકસભામાં ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તનને કારણે હિમાલય ક્ષેત્રમાં વારંવાર અતિભારે વરસાદની ઘટનાઓ સામાન્ય બની રહી છે. જો કે, સરકાર એ પણ સ્વીકારે છે કે અનિયંત્રિત અને અવૈજ્ઞાનિક બાંધકામ પ્રવૃત્તિઓ જેવી માનવ પ્રવૃત્તિઓ પણ આ આપત્તિઓનું જોખમ નોંધપાત્ર રીતે વધારી રહી છે. આ ઉપરાંત, સતત વરસાદને કારણે વીજ પુરવઠો અને પીવાના પાણીની વ્યવસ્થા પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, જેને સુધારવા માટે તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Bab-el-Mandeb Strait : લાલ સમુદ્રમાં હુતી બળવાખોરોનો આતંક, કાર્ગો જહાજ પર કર્યો હુમલો