લાલ સમુદ્રમાં દરિયાઈ માર્ગો પર હુતી બળવાખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. તાજેતરની એક ગંભીર ઘટનામાં, યમનના દક્ષિણ કિનારા નજીક બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા એક કાર્ગો જહાજને નિશાન બનાવીને ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ત્રણ પાકિસ્તાની નાગરિકો સહિત કુલ છ લોકોના મોત થયા છે, જ્યારે અંદાજે દસ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ જગતમાં અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

હુતીઓનો લાલ સમુદ્રમાં આતંક

પ્રાપ્ત વિગતો મુજબ, મંગળવારે બનેલી આ ઘટનામાં યમનના કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે નિશાન બનેલું આ કાર્ગો જહાજ ઇજિપ્તની માલિકીનું 'તિહામાહ' હતું. હુતી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા આ શંકાસ્પદ હુમલા બાદ જહાજમાં તુરંત જ ભીષણ આગ ફાટી નીકળી હતી અને તેને ભારે નુકસાન પહોંચ્યું હતું. યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના અહેવાલ મુજબ, શરૂઆતના હુમલામાં ચાર ક્રૂ સભ્યોના મોત થયા હતા, જેમાં ત્રણ પાકિસ્તાની અને એક ઇન્ડોનેશિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલાની માહિતી મળતા જ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી જેથી સવાર લોકોને સુરક્ષિત બહાર લાવી શકાય.

બે વાર કરાયો મિસાઇલ હુમલો

પરંતુ પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે તે જ સ્થળ પર બીજો હુમલો કરવામાં આવ્યો હતો. આ બીજા હુમલામાં રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલા બે સભ્યોના પણ કમનસીબ મોત નીપજ્યા હતા. જોકે હુથી બળવાખોરોએ હજુ સુધી સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ યમનની સરકાર અને પરિવહન મંત્રાલયે સ્પષ્ટપણે આ હુમલા માટે હુથી લડવૈયાઓને જ જવાબદાર ઠેરવ્યા છે.

હુમલાથી જહાજને વ્યાપક નુકસાન

યમનના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે આ જઘન્ય હુમલાના કારણે જહાજને વ્યાપક નુકસાન થયું છે અને નિર્દોષ માનવજીવનનો ભોગ લેવાયો છે. ઉલ્લેખનીય છે કે બાબ અલ-મંડેબ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકી એક છે, જે લાલ સમુદ્રને એડેનના અખાત સાથે જોડે છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં માલવાહક અને વેપારી જહાજો પસાર થતા હોય છે. આ પ્રદેશમાં સતત થઈ રહેલા હુમલાઓને કારણે વૈશ્વિક શિપિંગ કંપનીઓની ચિંતામાં મોટો વધારો થયો છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે જો આ હુમલા પાછળ હુથીઓનો હાથ હોવાની સત્તાવાર પુષ્ટિ થાય છે, તો આ યુદ્ધની શરૂઆત પછી જહાજોને થયેલી સૌથી મોટી જાનહાનિઓમાંની એક ગણાશે, જેનાથી આ ક્ષેત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ Tariff: 100 ટકા ટેરિફ પર પીટર નવારોનું નિવેદન, કહ્યુ મોદી અને ટ્રમ્પ સંબંધો દ્વારા આ મુદ્દે ઉકેલશે