અમેરિકા દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ ખરીદતા દેશો પર ભારે ભરખમ ટેરિફ લાદવાની ચર્ચાઓ વચ્ચે યુએસ પ્રેસિડેન્શિયલ કાઉન્સેલર પીટર નવારોનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત અને સારા છે, અને આ બંને દિગ્ગજ નેતાઓ મળીને વેપાર સંબંધિત આ મુદ્દાનો યોગ્ય ઉકેલ શોધી લેશે.

પીટર નવારોનું ચોંકવનારૂ નિવેદન

મીડિયાના એક પ્રશ્નનો જવાબ આપતા નવારોને લિન્ડસે ગ્રેહામ બિલ અને ભારત પર સંભવિત 100 ટકા ટેરિફની અસર વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ બિલ અંતર્ગત અમેરિકા ભારત સહિત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા પાંચ મુખ્ય દેશો પર ભારે ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, આ અંગે ટિપ્પણી કરતા નવારોએ જણાવ્યું હતું કે આ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે સીધી ચર્ચા થશે અને બંને નેતાઓને આ મામલો પરસ્પર ઉકેલવાની સ્વતંત્રતા આપવી જોઈએ. તેમાં હસ્તક્ષેપ કરવાની તેમની કોઈ ભૂમિકા નથી.

https://twitter.com/ANI/status/2087357149890695578

100 ટકા ટેરિફ પર આવશે ઉકેલ

વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથે વાતચીત દરમિયાન નવારોએ અગાઉ લખેલા પોતાના એક લેખનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે રશિયા સાથે તેલનો વેપાર વધાર્યો હતો અને રિફાઇન્ડ પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું હતું, જેનાથી રશિયાને આર્થિક મદદ મળી રહી છે. જોકે, તેમના આ નિવેદનો અને લેખ બાદ તેમને સોશિયલ મીડિયા પર ભારતીય નેટીઝન્સ તરફથી ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, જેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમેરિકામાં સમસ્યાઓનો ઉકેલ સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓથી આવતો નથી.

100 ટકા સુધીનો ટેરિફ લાદવાનો કરાયો હતો ઉલ્લેખ 

ઉલ્લેખનીય છે કે ગત ૭ ઓગસ્ટના રોજ યુએસ સેનેટે એક મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું છે. આ કાયદા હેઠળ યુએસ રાષ્ટ્રપતિને ભારત અને ચીન સહિત રશિયન ક્રૂડ ઓઇલ અથવા કુદરતી ગેસની આયાત કરતા મુખ્ય દેશો પર 100 ટકા સુધીનો ટેરિફ લાદવાની સત્તા મળે છે. સેનેટમાં ૮૬ વિરુદ્ધ ૧૧ મતોની બહુમતીથી પાસ થયેલા આ બિલનો મુખ્ય હેતુ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ માટે મળતી આર્થિક આવકથી વંચિત રાખવાનો અને યુક્રેન યુદ્ધમાં રશિયા પર દબાણ વધારવાનો છે. હવે તમામની નજર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની આગામી વાતચીત અને તેના પરિણામ પર છે.

આ પણ વાંચોઃ Kolkata થી ચેન્નઈ આવતી ઈન્ડિગો ફ્લાઇટનું હવામાં એન્જિન ફેલ, 224 મુસાફરોનો આબાદ બચાવ