હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના નૌહરાધાર વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક ભીષણ આગની ઘટના બની. ધંદુરી પંચાયતના તેલંગાણા ગામમાં આવેલા મોહન સિંહના ઘરમાં અચાનક આગ લાગી, ત્યારબાદ LPG સિલિન્ડર ફાટતાં આખું ઘર જ્વાળાઓમાં ઘેરાઈ ગયું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યો બળીને ખાખ થઈ ગયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.


અકસ્માત રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે

પ્રાપ્ત માહિતી મુજબ, આ અકસ્માત રાત્રે લગભગ 2 થી 3 વાગ્યાની વચ્ચે થયો હતો. શરૂઆતમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગ ઝડપથી ફેલાઈ અને ઘરમાં રાખેલ સિલિન્ડર બ્લાસ્ટ થતાં કોઈને બચવાની તક મળી નહીં. આગ એટલી ભયાનક હતી કે ઘર સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગયું અને કેટલાક પાલતુ પ્રાણીઓ પણ જીવતા બળી ગયા હોવાના અહેવાલ છે.

મૃત્યુ પામનાર લોકો

આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં કવિતા દેવી, તેની પુત્રીઓ સારિકા (9) અને કૃતિકા (3), તૃપ્તા દેવી (44) અને નરેશ કુમારનો સમાવેશ થાય છે. જણાવ્યા અનુસાર, બે બહેનો કવિતા અને તૃપ્તા માઘી તહેવાર માટે તેમના પતિઓ અને બાળકો સાથે માતાપિતાના ઘરે મહેમાન તરીકે આવી હતી. તહેવારની ખુશી વચ્ચે આવી કરૂણ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસ ટીમ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ SDM સંગદાહ સુનિલ કુમાર અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલ થયેલા લોકેન્દ્ર સિંહને સારવાર માટે પહેલા રાજગઢ અને બાદમાં સોલન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે.

રાજકીય નેતૃત્વ

આ ઘટનાએ રાજકીય નેતૃત્વને પણ દુઃખી કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ ડૉ. રાજીવ બિંદલ સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શોકગ્રસ્ત પરિવારને આ મુશ્કેલ સમયે હિંમત આપવા ઈશ્વરને પ્રાર્થના કરી છે. સાથે જ, જિલ્લા વહીવટીતંત્રને અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક સહાય, વળતર અને પુનર્વસનની વ્યવસ્થા કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો : BMC મતદાન દરમિયાન અક્ષય કુમારની માનવતા, મદદ માગતી છોકરીનો વીડિયો વાયરલ


  • Follow us on: