હૈદરાબાદના ચર્લાપલ્લી રેલવે સ્ટેશન પર સોમવાર, 16 નવેમ્બરની સાંજે અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્લેટફોર્મ નંબર 5 અને 6 વચ્ચે મેન્ટેનન્સ માટે ઊભી રાખેલી ખાલી ટ્રેનના એક કોચમાં સાંજે આશરે 6:30 વાગ્યે આગ લાગી હતી. જોતજોતામાં આગ બાજુના કોચ સુધી ફેલાઈ ગઈ અને કુલ સાત બોગી તેની અસર હેઠળ આવી હતી. ઘટનાની જાણ થતાં રેલવે કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. 

સાંજે 6:30 વાગ્યે આગ લાગી

દક્ષિણ મધ્ય રેલવેના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ટ્રેન પ્લેટફોર્મ નંબર 5 અને 6 વચ્ચે મેન્ટેનન્સના કામ માટે ઊભી રાખવામાં આવી હતી. સાંજે આશરે 6:30 વાગ્યે એક ખાલી બોગીમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ સાંજે 6:35 વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં એક બોગીમાં લાગેલી આગ ઝડપથી આસપાસની બોગીઓ સુધી પહોંચી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કુલ સાત બોગી તેની અસર હેઠળ આવી ગઈ હતી. તેમાંથી ઓછામાં ઓછી ત્રણ બોગી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

45 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતાં જ રેલવે કર્મચારીઓએ તાત્કાલિક બચાવ અને સુરક્ષાનાં પગલાં લીધાં હતાં. આગ બીજી ટ્રેનો સુધી ન ફેલાય તે માટે અસરગ્રસ્ત બોગીઓને અલગ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે વીજળીનો પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ સાંજે 7:15 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. રેલવે પોલીસ અને અધિકારીઓએ પણ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી પર નજર રાખી હતી.

ટ્રેન ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી

આ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે આગ લાગી ત્યારે ટ્રેન ખાલી હતી. બોગીઓમાં કોઈ મુસાફર હાજર નહોતો. તેથી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. સ્ટેશન પર હાજર લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જો ટ્રેનમાં મુસાફરો હોત તો આ ઘટના વધુ ગંભીર બની શકતી હતી. સમયસર રેલવે કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની કામગીરીને કારણે આગને બીજી ટ્રેનો સુધી ફેલાતી અટકાવી શકાઈ હતી.

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. દક્ષિણ મધ્ય રેલવેએ જણાવ્યું છે કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: Red Bullને 7 દિવસનું અલ્ટિમેટમ, 500 ML પીવાથી 55 ગ્રામ ખાંડ શરીરમાં જાય છે !