તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને તેના સર્વેસર્વા મમતા બેનર્જી હાલમાં તેમના 28 વર્ષના રાજકીય ઇતિહાસના સૌથી કપરા સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં આંતરિક કલહ, ધારાસભ્યોના રાજીનામા અને નેતાઓના અસંતોષને કારણે પાર્ટીની પાયાની મજબૂતી પર પ્રશ્નો ઊભા થયા છે. જે રીતે આજે મમતા બેનર્જી આ પડકારોનો સામનો કરી રહ્યા છે, તે જોતા તેમના ભૂતકાળના સંઘર્ષો અને તૃણમૂલ કોંગ્રેસના જન્મની વાર્તા યાદ આવવી સ્વાભાવિક છે.
મમતા બેનર્જીની રાજકીય સફર
મમતા બેનર્જીની રાજકીય સફર વિદ્યાર્થીકાળથી જ શરૂ થઈ હતી. તેઓ કોંગ્રેસમાં એક તેજસ્વી અને આક્રમક નેતા તરીકે ઉભરી આવ્યા અને 1984માં પહેલીવાર સાંસદ બન્યા. જોકે, 90ના દાયકાની શરૂઆત સુધીમાં કોંગ્રેસ સાથેના તેમના સંબંધો વણસવા લાગ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના શાસન વિરુદ્ધનું તેમનું આંદોલન તેજ હતું, પરંતુ તેમને લાગ્યું કે કેન્દ્રીય કોંગ્રેસ હાઇકમાન્ડ આ આંદોલનને દબાવવા માંગે છે. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર ડાબેરીઓના ટેકા પર નિર્ભર હતી, જેના કારણે મમતાનો આકરો વિરોધ કોંગ્રેસ માટે રાજકીય રીતે અસુવિધાજનક હતો.
તૃણમૂલ કોંગ્રેસની કરી સ્થાપના
પક્ષના નેતૃત્વ સાથેના ગંભીર મતભેદો અને ડાબેરીઓ સામેની નીતિઓને કારણે, છેવટે 1997માં મમતા બેનર્જીને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના તેમના માટે અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત બની. તેમણે મુકુલ રોય જેવા સાથીઓ સાથે મળીને પોતાની અલગ રાજકીય ઓળખ બનાવવાનું નક્કી કર્યું અને 1 જાન્યુઆરી, 1998ના રોજ 'ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ' (TMC) ની સ્થાપના કરી.
બંગાળની રાજનીતિમાં પગપેસારો કર્યો.
ટૂંકા ગાળામાં જ મમતાએ તેમની આક્રમક શૈલી અને જમીની સ્તરના નેતા તરીકેની છબીથી બંગાળની રાજનીતિમાં પગપેસારો કર્યો. 2011ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું અને ડાબેરીઓના 34 વર્ષના અવિરત શાસનનો અંત લાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો. TMC એ કુલ 227માંથી 187 બેઠકો જીતીને બહુમતી સાબિત કરી. ત્યારબાદ પણ મમતા બેનર્જીએ સતત બે વિધાનસભા ચૂંટણીઓમાં વિજય મેળવી પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.
પોતાની પાર્ટીમાં જ વિખવાદોનો સંઘર્ષ
આજે, જ્યારે ટીએમસી સમાન આંતરિક સંઘર્ષો અને ધારાસભ્યોના બળવાનો સામનો કરી રહી છે, ત્યારે તે જોવું રસપ્રદ રહેશે કે મમતા બેનર્જી પોતાની પાર્ટીને આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર લાવે છે. જે પક્ષનું નિર્માણ બળવાના પાયા પર થયું હતું, તે આજે પોતાના જ આંતરિક વિખવાદોથી સંઘર્ષ કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ એક એવો દેશ જ્યાં દુકાન સંભાળે છે માત્ર મહિલાઓ! ઇતિહાસ છે 500 વર્ષ જૂનો