ભારતમાં અનેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો છે, પરંતુ મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આવેલું 'ઇમા કીથેલ' (Ima Keithel) વિશ્વભરમાં એક અલગ ઓળખ ધરાવે છે. આ બજારને 'મધર્સ માર્કેટ' અથવા 'માતાનું બજાર' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બજારની સૌથી મોટી અને ખાસ વિશેષતા એ છે કે અહીંની તમામ દુકાનો માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત થાય છે. વિશ્વના આ અનોખા મહિલા-સંચાલિત બજારમાં પુરુષો ખરીદી કરવા માટે આવી શકે છે, પરંતુ દુકાનદાર તરીકે માત્ર મહિલાઓને જ પ્રવેશ મળે છે.
બજારનો ઇતિહાસ અંદાજે 500 વર્ષ જૂનો
આ બજારનો ઇતિહાસ અંદાજે 500 વર્ષ જૂનો છે. 16મી સદીમાં મણિપુરમાં 'લલ્લુપ-કાબા' નામની એક પ્રથા અમલમાં હતી, જેના હેઠળ સ્થાનિક પુરુષોને યુદ્ધ અથવા મજૂરી માટે લાંબા સમય સુધી ઘરથી દૂર જવું પડતું હતું. આવી સ્થિતિમાં ઘર અને અર્થવ્યવસ્થાને સાચવવાની જવાબદારી મહિલાઓ પર આવી પડી. પરિણામે, તેમણે સ્થાનિક ઉત્પાદનો વેચવાનું શરૂ કર્યું, જે સમય જતાં એક સંગઠિત બજારમાં પરિવર્તિત થયું. આજે ઇમા કીથેલમાં અંદાજે 5,000થી વધુ મહિલા વેપારીઓ કાર્યરત છે.










