લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીન સાથેના સરહદી વિવાદ અને પૂર્વ સેનાપ્રમુખ જનરલ એમ.એમ. નરવણેના પુસ્તકને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધી સંસદની બહાર જનરલ નરવણેના પુસ્તકની નકલ સાથે જોવા મળ્યા હતા અને તેમણે દાવો કર્યો હતો કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં આવશે, તો તેઓ આ પુસ્તક તેમને ભેટ સ્વરૂપે આપશે.


પુસ્તક અને પ્રકાશિત થવાનો વિવાદ

રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, આ પુસ્તક વિદેશોમાં પ્રકાશિત થઈ ગયું છે અને ઉપલબ્ધ છે, પરંતુ ભારત સરકાર તેને દેશમાં પ્રકાશિત થવા દેતી નથી. જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે આ પુસ્તક તેમની પાસે ક્યાંથી આવ્યું, ત્યારે તેમણે રહસ્યમય રીતે જવાબ આપ્યો કે, તમે પોતે જ અંદાજ લગાવી શકો છો કે આ પુસ્તક ક્યાંથી આવ્યું હશે.

સેના અને નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક લાંબી પોસ્ટમાં રાહુલ ગાંધીએ પુસ્તકના અંશો ટાંકીને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે લખ્યું કે, જ્યારે ચીની સેના ભારતીય સરહદમાં ઘૂસી આવી હતી, ત્યારે તે અત્યંત નાજુક ક્ષણે સેનાપ્રમુખને રાહ જોવડાવવામાં આવી હતી. રાહુલના જણાવ્યા મુજબ, જ્યારે તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર હતી, ત્યારે વડાપ્રધાને માત્ર એટલું જ કહ્યું કે, તમને જે યોગ્ય લાગે તે કરો.

રાજકીય જવાબદારી પર પ્રહાર

કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે દેશની સુરક્ષાના સૌથી મોટા સંકટ સમયે વડાપ્રધાને પોતાની રાજકીય જવાબદારીઓમાંથી હાથ ખંખેરી લીધા હતા. જનરલ નરવણેએ કથિત રીતે તેમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે તે સમયે તેમને અનુભવાયું હતું કે રાજકીય નેતૃત્વએ સેનાને એકલી છોડી દીધી હતી. રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો કે આશ્ચર્યની વાત એ છે કે સરકારના મંત્રીઓ આ પુસ્તક અસ્તિત્વમાં હોવાનો પણ ઇનકાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ China: ફેંકી દીધેલા સિમ કાર્ડમાંથી કાઢ્યું 191 ગ્રામ સોનું, વ્યક્તિએ કરી ₹26 લાખની કમાણી!


  • Follow us on: