ભારતના મધ્યપ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. જે જોઇને વૈજ્ઞાનિકો પણ હેરાન થઇ ગયા છે. અહિંયાના મહંગવા કેવલારી ક્ષેત્રમાં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ GSIની ટીમે સોનાનો એક વિશાળ ભંડાર શોધી કાઢ્યો છે. આ ખજાનો લાખો ટન સોનાનો બતાવવામાં આવ્યો છે.
વૈજ્ઞાનિકોએ કેવી રીતે શોધ્યો સોનાનો ભંડાર
વર્ષો સુધીના અભ્યાસ બાદ ભૂવિજ્ઞાનીઓએ મહંગવા કેવલારી વિસ્તારની માટી અને પથ્થરોનાં નમૂનાઓનું રાસાયણિક વિશ્લેષણ કર્યું. આ વિશ્લેષણમાં સોનાની હાજરીની પુષ્ટિ થઈ. સાથે તાંબુ અને અન્ય કિંમતી ધાતુઓના પણ સંકેતો મળ્યા. આ વિસ્તારમાં પહેલેથી લોખંડ અયસ્ક, મેંગનીઝ, બોક્સાઇટ જેવા ખનિજ મળતા હતા. પરંતુ હવે સોનાની શોધ પછી આ વિસ્તારની મહત્તા ઘણી વધી ગઈ છે. વૈજ્ઞાનિકો માને છે કે આ શોધ મધ્યપ્રદેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપી શકે છે.
જબલપુર બનશે ખનિજ સંપત્તિનું નવું કેન્દ્ર
જબલપુર પહેલેથી ખનન માટે જાણીતું છે. અહીં 42 ખાણો છે. જ્યાંથી લોખંડ અયસ્ક જેવા ખનિજોનું ઉત્પાદન થાય છે અને તેની નિકાસ ચીન સહિત ઘણા દેશોમાં થાય છે. હવે જ્યારે અહીં સોનાનો ભંડાર મળ્યો છે. ત્યારે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મહત્વ ધરાવતો બની શકે છે.વિશેષજ્ઞોનું માનવું છે કે જો ખનન આર્થિક રીતે સફળ રહેશે, તો ટૂંક સમયમાં અહીંથી સોનાની ખાણમાંથી ખનન કાર્ય શરૂ થઈ શકે છે. આ શોધ માત્ર જબલપુર માટે નહીં પણ આખા મધ્ય ભારત માટે આર્થિક દૃષ્ટિએ ખૂબ મોટી તક સાબિત થઈ શકે છે. અહીં મળેલ સોનાનો ભંડાર ખનિજ સંપત્તિના ક્ષેત્રમાં નવી આશાઓ લઈ આવ્યું છે અને સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસરો પણ પૂરાં પાડશે તેવી શક્યતા છે.