હૈદારબાદમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે, જ્યારે શોભાયાત્રાના રથ પર સવાર 9 લોકો હાઈટેન્શન લાઈનની ચપેટમાં આવી ગયા. જેમાં 5 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. રથ તારની ચપેટમાં આવતા જ વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. તમામ લોકો પોતાના જીવ બચાવવા આમતેમ ભાગવા લાગ્યા હતા. ઘટના બાદ પીડિત પરિવારજનો પર દુ:ખનો પહાડ તુટી પડ્યો છે.
ઘટનાસ્થળે ભારે હાહાકાર મચી ગયો
હૈદારબાદના રામંથપુર વિસ્તારના ગોકુલનગરમાં આ દર્દનાક દુર્ઘટના બની છે. જ્યાં રવિવારે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી, રથ પર ઘણા લોકો સવાર હતા. તેની વચ્ચે રથનો ઉપરનો ભાગ હાઈટેન્શન વાયરથી અથડાયો અને જેના કારણે 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને 4 અન્ય ઘાયલ થયા છે. ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો અને તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
પોલીસના જણાવ્યા મુજબ આ રથમાં ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવી હતી અને આ રથ ઉપરથી પસાર થઈ રહેલા વીજળીના તારના સંપર્કમાં આવ્યો હતો, ત્યારબાદ તાર તુટીને વાહન પર પડ્યો હતો. અચાનક સર્જાયેલી આ દુર્ઘટના બાદ તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હાલમાં 5 મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. મૃતકની ઓળખ કૃષ્ણ યાદવ, શ્રીકાંત રેડ્ડી, સુરેશ યાદવ, રૂદ્ર વિકાસ અને રાજેન્દ્ર રેડ્ડી તરીકે થઈ છે. તમામ લોકો ઉત્સાહથી શોભાયાત્રા કાઢી રહ્યા હતા, તેની વચ્ચે અચાનક જ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.