તેલંગાણાની રાજધાની હૈદરાબાદના માધાપુર વિસ્તારના અંજૈયા નગરમાં શનિવારે સાત માળની નિર્માણાધીન ઈમારત અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી બે લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકાને પગલે પોલીસ, ફાયર વિભાગ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
https://twitter.com/ANI/status/2091114321153835232
શું બાંધકામ માટે મંજૂરી મળી હતી?
મળતી માહિતી મુજબ, ઈમારત નાળાની નજીક આવેલા નાના પ્લોટ પર બનાવવામાં આવી રહી હતી. ઈમારત ધરાશાયી થતા તેનો કાટમાળ નજીકની અન્ય ઈમારત પર પડ્યો હતો, જેના કારણે ત્યાં પણ નુકસાન થયું હતું. આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને નજીકની હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. હૈદરાબાદના કમિશનર એ.વી. રંગનાથે જણાવ્યું કે આશરે 60 ચોરસ ગજ જમીન પર 7+1 એટલે કે લગભગ આઠ માળની ઈમારત બનાવવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ ઈમારત નાળા પર બનાવવામાં આવી હતી અને તેના બાંધકામ માટે મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
બચાવ ટીમે કામગીરી શરૂ કરી
અધિકારીઓએ ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. નાળા પર અથવા નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવેલી ઈમારતોની પણ તપાસ કરવામાં આવશે. ઈમારતના બાંધકામ સાથે સંકળાયેલા સજિદની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બચાવ ટીમો કાટમાળ હટાવીને વધુ કોઈ વ્યક્તિ ફસાઈ છે કે નહીં તે શોધી રહી છે.
આ પણ વાંચો : Jammu-Srinagar વચ્ચે ત્રીજી વંદે ભારત ટ્રેન દોડશે, ઉધમપુરને પણ મળશે સ્ટોપેજ