ભારતીય વાયુસેના પોતાની ઓપરેશનલ ક્ષમતા અને ટેક્નોલોજીકલ તાકાત વધારવા માટે આશરે 60 આધુનિકીકરણ કાર્યક્રમો પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ્સમાં DRDO ઉપરાંત દેશની ખાનગી ડિફેન્સ કંપનીઓની પણ મહત્વપૂર્ણ ભાગીદારી રહેશે. આ પહેલથી દેશમાં ₹21,000 કરોડથી વધુનો ડિફેન્સ બિઝનેસ ઊભો થવાની અપેક્ષા છે.
આધુનિકીકરણ હેઠળ એડવાન્સ્ડ રડાર, ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ, એવિઓનિક્સ, કોમ્યુનિકેશન નેટવર્ક, આધુનિક હથિયારો અને એરોસ્પેસ ટેક્નોલોજી વિકસાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ વિદેશી હથિયારો અને ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડીને સ્વદેશી ડિફેન્સ ક્ષમતાને મજબૂત કરવાનો છે.
'સુપર સુખોઈ' પર ખાસ ભાર
ભારતીય વાયુસેનાના રશિયન Su-30MKI ફાઈટર જેટ્સને સ્વદેશી ટેક્નોલોજીથી અપગ્રેડ કરવાની યોજના પણ આગળ વધી રહી છે. ‘સુપર સુખોઈ’ કાર્યક્રમ હેઠળ વિમાનમાં નવા રડાર, એવિઓનિક્સ, ઇલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ અને આધુનિક હથિયારોને એકીકૃત કરવામાં આવશે. DRDO અને HALની ભાગીદારીથી આ અપગ્રેડ કાર્યક્રમને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભારતે રશિયાના Su-57 સ્ટેલ્થ ફાઈટર અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતનું ધ્યાન નવા રશિયન ફાઈટર ખરીદવા કરતાં Su-30MKI અપગ્રેડ અને સ્વદેશી AMCA પર છે.
AMCA અને રાફેલ પર નજર
ભારત પોતાના પાંચમી પેઢીના Advanced Medium Combat Aircraft (AMCA) પર પણ ભાર મૂકી રહ્યું છે. AMCAને ઓપરેશનલ કરવામાં આવે ત્યાં સુધી વાયુસેનાની જરૂરિયાતો પૂરી કરવા માટે 114 રાફેલ ફાઈટર જેટની ખરીદીની પ્રક્રિયા આગળ વધી રહી છે. ફ્રાન્સની Dassault Aviationએ તાજેતરમાં 114 રાફેલ માટે ટેક્નિકલ અને કોમર્શિયલ પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. આ સમગ્ર આધુનિકીકરણ યોજના 'આત્મનિર્ભર ભારત'ને વેગ આપવાની સાથે દેશની ડિફેન્સ ઈન્ડસ્ટ્રી, સ્વદેશી ટેક્નોલોજી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ મજબૂત બનાવશે.
આ પણ વાંચો : ED Director Extension : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાહુલ નવીનને ED ડિરેક્ટર તરીકે ફરી એક વર્ષનું એક્સટેન્શન