2026માં મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તરીકે જવાબદારી સંભાળ્યા બાદ 2005 બેચના વરિષ્ઠ IAS અધિકારી તુકારામ મુંઢેએ રાજ્યમાં ખાદ્ય સુરક્ષાને લઈને કડક કાર્યવાહી શરૂ કરી છે. જન આરોગ્યને પ્રાથમિકતા આપીને તેમણે ભેળસેળ કરનારા, અસ્વચ્છ રીતે ખાદ્ય પદાર્થો બનાવતા હોટલ-રેસ્ટોરન્ટ અને પ્રતિબંધિત વસ્તુઓ વેચનારાઓ સામે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે.

21 વર્ષમાં 25 વખત થઈ બદલી

IAS તુકારામ મુંઢે કડક નિર્ણયો અને નિયમોના પાલન માટે જાણીતા છે. તેમના 21 વર્ષના વહીવટી કરિયરમાં અત્યાર સુધીમાં 25 વખત બદલી થઈ હોવાનું જણાવાય છે. FDAની જવાબદારી સંભાળ્યા બાદ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને છોડવામાં નહીં આવે.

ત્રણ મહિનામાં 3,100થી વધુ તપાસ

FDAના જણાવ્યા મુજબ, છેલ્લા લગભગ ત્રણ મહિનામાં સમગ્ર મહારાષ્ટ્રમાં 3,100થી વધુ ફૂડ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યા છે. આ દરમિયાન જન આરોગ્ય માટે જોખમી જણાયેલા આશરે 165 સંસ્થાઓના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 750થી વધુ ફૂડ બિઝનેસને સુધારણા માટે નોટિસ આપવામાં આવી છે.

25 મે થી 15 જૂન 2026 દરમિયાન જ 360થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 235 FIR નોંધાઈ, 359 લોકોની ધરપકડ થઈ અને 274 ગેરકાયદેસર અથવા અમાનક સંસ્થાઓને સીલ કરવામાં આવી હતી. આશરે 50 કરોડ રૂપિયાની અસુરક્ષિત, દૂષિત અને ભેળસેળવાળી ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. મુંઢેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા 4,000થી વધુ ખાદ્ય નમૂનાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા હોવાનું પણ જણાવાયું છે.

મોટા નામો સામે પણ કાર્યવાહી

FDAની કાર્યવાહીમાં સામાન્ય હોટલોથી લઈને જાણીતી સંસ્થાઓ પણ આવી છે. બોમ્બે હાઈકોર્ટની કેન્ટીનમાં તપાસ દરમિયાન બે બિનલાઈસન્સવાળા કિચન મળ્યા હતા, જેના પગલે તેમને બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી. IIT બોમ્બેની મેસમાં પણ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપવામાં આવી હતી.

મુંબઈની જાણીતી શાલીમાર હોટલ અને K. Rustom Ice Cream Parlour સામે પણ નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરી લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ફિલ્મ અને ટીવી શૂટિંગના સેટ પર મળતા ખોરાકની ગુણવત્તા અંગે પણ FDA દ્વારા દેખરેખ વધારવામાં આવી છે.

ડિનર દરમિયાન 'નકલી પનીર'ની ઓળખ

તુકારામ મુંઢે એક વખત મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં સામાન્ય ગ્રાહક તરીકે ગયા હતા. ત્યાં પીરસવામાં આવેલા પનીર અંગે તેમને શંકા જતા તેમણે રેસ્ટોરન્ટના સંચાલક પાસેથી લાઈસન્સ અને પાણીની ગુણવત્તા અંગે પણ માહિતી મેળવી હતી. તપાસમાં ખામીઓ મળતાં 24 કલાકમાં સુધારો કરવાની સૂચના આપવામાં આવી હતી.

ફૂડ સેફ્ટી એક્ટની કલમ 32નો ઉપયોગ

કડક કાર્યવાહી અંગે ઉઠતા સવાલોના જવાબમાં મુંઢેએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006ની કલમ 32નો ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, જો કોઈ ખાદ્ય પદાર્થથી જન આરોગ્યને ગંભીર જોખમની શક્યતા હોય તો નિયુક્ત અધિકારીને સંબંધિત સંસ્થાનું લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સત્તા છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ‘Safe Food For Every Child in Maharashtra’ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શાળા, કોલેજ, હોસ્ટેલની મેસ અને સરકારી મિડ-ડે મીલ પ્રદાતાઓ માટે કડક નિયમો લાગુ કરવાની દિશામાં પગલાં લેવાયા છે.

શાળાના પરિસરમાં અને તેની આસપાસના 50 મીટરના વિસ્તારમાં સોફ્ટ ડ્રિંક્સ, પેકેજ્ડ જંક ફૂડ અને વધુ પડતા તેલવાળા નાસ્તાના વેચાણ પર નિયંત્રણ મૂકવાની સૂચના આપવામાં આવી છે. દૂધ અને દૂધની બનાવટોમાં ભેળસેળ રોકવા માટે પણ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Donald Trumpના ભારતીય ચૂંટણી પંચ અંગેના નિવેદન પર ભારતનો જવાબ, MEAએ કહ્યું 'ચૂંટણી તંત્રની મજબૂતી વૈશ્વિક સ્તરે જાણીતી'