પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ 294 બેઠકોના કાઉન્ટિંગ એજન્ટો અને પાર્ટી નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને અત્યંત કડક સૂચનાઓ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે મતગણતરી દરમિયાન સહેજ પણ બેદરકારી રાખવી પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

રી-કાઉન્ટિંગ માટે કડક આદેશ

મમતા બેનર્જીએ પાર્ટી એજન્ટોને ખાસ તાકીદ કરી છે કે જે બૂથ પર ભારતીય જનતા પાર્ટી 500 થી 700 અથવા 1000 સુધીના નજીવા માર્જિનથી આગળ દેખાય, ત્યાં તરત જ 'રી-કાઉન્ટિંગ' ની માંગ કરવી. તેમણે એજન્ટોને ગણતરીની દરેક ક્ષણ પર કડક દેખરેખ રાખવા અને તમામ કાર્યવાહીને નોટબુકમાં રેકોર્ડ કરવા જણાવ્યું છે.

એજન્ટો માટે વ્યૂહરચના

મુખ્યમંત્રીએ સલાહ આપી છે કે દૂરના કે ગ્રામીણ વિસ્તારોના એજન્ટોએ રવિવારે રાત્રે જ ગણતરી કેન્દ્રની નજીક પહોંચી જવું જોઈએ, જેથી સોમવારે સવારે વહેલા કામ શરૂ કરી શકાય. તેમણે કડક આદેશ આપ્યો છે કે જ્યાં સુધી ૪ મેના રોજ પક્ષ તરફથી સત્તાવાર મીડિયા સંબોધન ન થાય, ત્યાં સુધી કોઈપણ એજન્ટે ગણતરી કેન્દ્ર છોડવું નહીં. મમતા બેનર્જીને વિશ્વાસ છે કે તૃણમૂલ કોંગ્રેસ આ વખતે ૨૦૦થી વધુ બેઠકો જીતશે, પરંતુ તેમણે ભાજપ તરફથી થતી સંભવિત ગેરરીતિઓ સામે સતર્ક રહેવા ચેતવણી આપી છે.

અભિષેક બેનર્જીનો એક્ઝિટ પોલ પર પ્રહાર

બીજી તરફ, ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ એક્ઝિટ પોલના આંકડાઓને નકારી કાઢ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના સમર્થનમાં બતાવવામાં આવતા એક્ઝિટ પોલનો મુખ્ય હેતુ શેરબજારને પ્રભાવિત કરવાનો છે. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૨૧ની વિધાનસભા અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. અભિષેક બેનર્જીના મતે, તૃણમૂલ કોંગ્રેસ 2021 માં મેળવેલી 215 બેઠકોના આંકડાને પણ વટાવી જશે.