દેશના અનેક રાજ્યોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો મુશળધાર વરસાદ હવે આફત બની રહ્યો છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં પૂર તેમજ જળબંબાકારના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 20 થી 25 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતના મોટાભાગના ભાગોમાં તીવ્ર ગાજવીજ અને તેજ પવન સાથે અતિભારે વરસાદની સંભાવના છે.
https://twitter.com/AHindinews/status/2090261060838420817

પહાડી અને ઉત્તર ભારતમાં વિનાશક સ્થિતિ

જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ: પશ્ચિમ હિમાચલ ક્ષેત્રમાં ચોમાસાએ ભારે તારાજી સર્જી છે. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જ્યારે ઉત્તરાખંડના પિથોરાગઢમાં બેલી બ્રિજ ધારાશાહી થતાં સરહદી વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનના કારણે અનેક મુખ્ય માર્ગો બંધ થયા છે.દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં 20 થી 22 ઓગસ્ટ અને પશ્ચિમ યુપીમાં 21 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્ય અને પશ્ચિમ ભારતની આગાહી

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ: મધ્ય પ્રદેશમાં વરસાદનું જોર સૌથી વધુ રહેશે. પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 20 થી 24 ઓગસ્ટ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં 20 થી 25 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. વિદર્ભમાં 20-22 અને 24-25 ઓગસ્ટે તથા છત્તીસગઢમાં 21 ઓગસ્ટ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે.કોંકણ અને ગોવા: પશ્ચિમ ભારતના કોંકણ અને ગોવા વિસ્તારોમાં 20 થી 25 ઓગસ્ટ દરમિયાન સતત વરસાદી માહોલ રહેશે.

પૂર્વ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતનું હવામાન

ઓડિશા, બિહાર અને ઝારખંડ: પૂરનો સામનો કરી રહેલા ઓડિશામાં 21 થી 25 ઓગસ્ટ દરમિયાન ફરી ભારે વરસાદની શક્યતા છે. બિહારમાં 21 થી 23 ઓગસ્ટ દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ અને ઝારખંડમાં 22 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધશે.

લોકોને સતર્ક રહેવા અપાઇ સૂચના

ઉત્તર-પૂર્વ રાજ્યો: આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં 20 થી 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. દક્ષિણ ભારત: દરિયાકાંઠાના કર્ણાટકમાં 20 થી 25 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે, જ્યારે અન્ય દક્ષિણ રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગે ભારે પવન, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પહાડી અને પૂરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને અત્યંત સતર્ક રહેવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચોઃ Delhi-NCRમાં પ્રદૂષણ પર લગામ! 2027થી નવા પેટ્રોલ-ડીઝલ-CNG LGVના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ