દેશમાંથી વિદાય લેતા પહેલા ચોમાસું ફરી એકવાર આક્રમક બનીને અંતિમ ફટકો મારવાની તૈયારી કરી રહ્યું છે. ઉત્તર અને મધ્ય ભારતમાં ચોમાસાનું જોરદાર પુનરાગમન થવાની ધારણા છે, જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત લગભગ ૧૫ રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ભારે પલટો

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશન અને હિમાલયમાં સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ના કારણે આગામી ૩ થી ૪ દિવસ સુધી હવામાનમાં ભારે પલટો જોવા મળશે. દિલ્હીમાં આગામી દિવસોમાં વરસાદ અને વીજળીના કડાકા સાથે હવામાન બદલાવાની સંભાવના છે. પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વી રાજસ્થાનમાં પણ વરસાદનો દોર શરૂ થશે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી ભારે વરસાદની આગાહી

પર્વતીય વિસ્તારોમાં પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવા થી ભારે વરસાદની સાથે કેટલીક જગ્યાએ હિમવર્ષા પણ થઈ શકે છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય ભારતમાં બંગાળની ખાડીની સિસ્ટમની સૌથી વધુ અસર જોવા મળશે, જેના કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ ક્ષેત્રોમાં ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ પડી શકે છે. ભોપાલ, ઇન્દોર અને ઉજ્જૈન જેવા શહેરોમાં પણ વરસાદની સંભાવના છે.

ઊંડા ડિપ્રેશનની અસર અનેક રાજ્યો પર

પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં પણ ઊંડા ડિપ્રેશનની અસર સ્પષ્ટપણે દેખાશે. આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાને પાર કરી ચૂકેલી આ હવામાન પ્રણાલીને કારણે દરિયાકાંઠાના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને હવામાનની સ્થિતિ જોઈને જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Xi Jinping's visit to America: દાયકાઓ બાદ શી જિનપિંગનું અમેરિકાની ધરતી પર સ્વાગત, વિશ્વની નજર અમેરિકા-ચીન પર