કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) સાથે જોડાયેલું ડોપિંગ બિલ-2026 સંસદમાં રજૂ કરી શકે છે. નવા બિલનો મુખ્ય હેતુ ખેલકૂદમાં ડોપિંગને માત્ર નિયમભંગ નહીં પરંતુ ગુનાહિત કૃત્ય તરીકે ગણાવવાનો છે. આ કાયદા હેઠળ માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ ડોપિંગ માટે દવાઓ સપ્લાય કરનારાઓ, કોચ, હોસ્ટેલ મેનેજમેન્ટ અને અન્ય સંકળાયેલા લોકો પણ કાયદાની જાળમાં આવશે.

5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે

પ્રસ્તાવિત નિયમો મુજબ પ્રતિબંધિત દવાઓની સપ્લાયમાં સામેલ વ્યક્તિઓને 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ઉપરાંત, જે કોઈ ખેલાડી સાથે ડોપિંગ માટે સંપર્ક કરે છે અથવા તેને પ્રોત્સાહન આપે છે, તેને 2 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા જેલ, અથવા બંને થઈ શકે છે. સરકારે આ ડ્રાફ્ટને જનતા અને સંબંધિત હિતધારકોની રાય માટે રમત મંત્રાલયની વેબસાઈટ પર મુક્યો હતો અને 18 જૂન સુધી પ્રતિસાદ માગ્યો હતો. રમત મંત્રી મનસુખ માંડવિયા અગાઉ કહી ચૂક્યા છે કે જનરલ પ્રતિસાદને સામેલ કરીને સુધારેલ બિલ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે.

ડોપિંગના કેસમાં થયો વધારો

છેલ્લા કેટલાક વર્ષોમાં ડોપિંગના મામલાઓમાં ભારતનું નામ ચિંતાજનક રીતે આગળ આવ્યું છે. ખાસ કરીને જ્યારે દેશ 2036 ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે ત્યારે આ મુદ્દો વધુ ગંભીર બની ગયો છે. 2018ના ડ્રાફ્ટમાં પણ આવી જ કડક જોગવાઈઓ હતી, પરંતુ 2022ના કાયદામાં કેટલીક જોગવાઈઓ હટાવવામાં આવી હતી. હવે નવા સુધારામાં તબીબી વ્યાવસાયિકોને પણ જવાબદારીના દાયરામાં લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : INS Trikand દરિયાઈ લુંટારાઓ માટે બન્યું કાળ, ભારત માટે માલ લઈ જઈ રહેલા જહાજને બચાવ્યું