ભારતીય નૌસેનાએ ફરી એકવાર દરિયામાં પોતાની સતર્કતા અને શક્તિનો પરિચય આપતા અદનની ખાડીમાં દરિયાઈ લૂંટારુઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. દરિયાઈ લૂંટારુઓએ ભારત માટે મહત્વપૂર્ણ સામાન લઈ જઈ રહેલા વેપારી જહાજ MV ગોલ્ડન આર્સેનલને નિશાન બનાવ્યું હતું. આ જહાજમાં એક ભારતીય ક્રૂ સભ્ય પણ હાજર હતો. ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ INS ત્રિકંડ અને મરીન કમાન્ડો 'MARCOS'ની ઝડપી કાર્યવાહીથી જહાજ અને તેમાં સવાર તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા.
https://twitter.com/ANI/status/2072596652331028586
ક્રૂ સભ્યો જહાજના સુરક્ષિત રૂમમાં પહોંચી ગયા
માહિતી અનુસાર, હુમલા દરમિયાન જહાજના ક્રૂ સભ્યોએ ગભરાવાના બદલે સમજદારી દાખવી હતી. તેમણે પોતાને જહાજના સુરક્ષિત રૂમમાં બંધ કરી દીધા અને રેડિયો સંચાર દ્વારા તરત જ ભારતીય નૌસેનાને મદદ માટે સંદેશ મોકલ્યો. તેના કારણે દરિયાઈ લૂંટારુઓ જહાજ પર સંપૂર્ણ કબજો જમાવવામાં નિષ્ફળ રહ્યા.
INS ત્રિકંડ પહોંચતા જ દરિયાઈ લૂંટારુઓ ત્યાંથી ભાગી ગયા
સંકટનો સંદેશ મળતા જ નજીકમાં તૈનાત યુદ્ધજહાજ INS ત્રિકંડ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયું. ભારતીય નૌસેનાની હાજરી અને કાર્યવાહીનો અંદાજ આવતા જ દરિયાઈ લૂંટારુઓ ત્યાંથી ભાગી છૂટ્યા. ત્યારબાદ MARCOS કમાન્ડોએ જહાજ પર ચઢીને સમગ્ર જહાજની સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન કોઈ પણ લૂંટારો અથવા અન્ય જોખમ ન હોવાનું નિશ્ચિત કર્યા બાદ જહાજને સંપૂર્ણ સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું.
આ સફળ ઓપરેશનથી ફરી એકવાર સાબિત થયું છે કે ભારતીય નૌસેના હિંદ મહાસાગર અને આસપાસના સમુદ્રી વિસ્તારોમાં વેપારી જહાજો તેમજ સમુદ્રી વેપાર માર્ગોની સુરક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ છે. INS ત્રિકંડની આ ઝડપી કાર્યવાહીએ ભારતની વધતી દરિયાઈ શક્તિ, સતર્કતા અને વ્યૂહાત્મક ક્ષમતાનો વિશ્વ સમક્ષ વધુ એક વખત પરિચય કરાવ્યો છે.
આ પણ વાંચો : Bengaluru ISRO હેડ ક્વાર્ટરને ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકી ભર્યો મળ્યો મેઇલ