મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે INDIA બ્લોકના નેતાઓએ સોમવારે ફરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીના બારાખંબા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાનું આયોજન હતું, પરંતુ પોલીસે મંડી હાઉસ ખાતે જ માર્ચ અટકાવી દીધો હતો. મંડી હાઉસથી સુપ્રીમ કોર્ટ તરફ જતો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ સામે સૂત્રોચ્ચાર કરીને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ કરી હતી.
રાહુલ ગાંધીની કાનૂની ટીમ સુપ્રીમ કોર્ટમાં
બીજી તરફ, રાહુલ ગાંધીની કાનૂની ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી અને ત્યારબાદ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં રાહુલ ગાંધી ઉપરાંત અખિલેશ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, તેજસ્વી યાદવ અને સૌગત રોયનાં નામ અરજદારો તરીકે સામેલ છે.
મંડી હાઉસ ખાતે માર્ચ અટકાવાયો
વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સહિત INDIA બ્લોકના અનેક નેતાઓ અને સાંસદો જોડાયા હતા. સુપ્રીમ કોર્ટ પહોંચે તે પહેલાં જ નેતાઓની બસ અટકાવવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક નેતાઓ પગપાળા આગળ વધ્યા હતા, પરંતુ પોલીસે મંડી હાઉસ ખાતે જ માર્ચ રોકી દીધો હતો.
રાહુલ ગાંધીએ માર્ચને 'શિવજીની જાન' ગણાવી
માર્ચ પહેલાં રાહુલ ગાંધીએ લગભગ 40 મિનિટની પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે વિપક્ષના માર્ચને 'શિવજીની જાન' ગણાવી હતી અને તેમાં કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે તેમ જણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર સાથે વાતચીત અંગેના સવાલ પર તેમણે કહ્યું હતું કે તેમના સંદેશા આવે છે અને તેઓ આ પત્રકાર પરિષદ પણ જોઈ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટ તરફથી જણાવાયું હતું કે વકીલ મારફતે અથવા અરજદાર પોતે નિયમ મુજબ રજિસ્ટ્રીમાં અરજી દાખલ કરી શકે છે. તેના માટે પ્રવેશ પાસ જરૂરી છે, જે મર્યાદિત સંખ્યામાં આપવામાં આવે છે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટ વિરોધ પ્રદર્શન કરવાનું સ્થળ નથી અને સુરક્ષા વ્યવસ્થા જાળવવી જરૂરી છે.
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ
કોંગ્રેસના નેતા સચિન પાયલટે મુખ્ય ચૂંટણી કમિશનર સામે આક્ષેપો કરતાં તેમના રાજીનામાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટ તેમની રજૂઆત સાંભળે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદૌરિયાએ કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ સાથે વિરોધ ચાલુ રહેશે.
અનેક વિપક્ષી નેતાઓ જોડાયા
આ પ્રદર્શનમાં સંજય રાઉત, અરવિંદ સાવંત, મહુઆ મોઇત્રા સહિતના અનેક વિપક્ષી નેતાઓ પણ જોડાયા હતા. નેતાઓએ ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવીને પોતાની માગણીઓ રજૂ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી પર આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો : Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને...Video