લોકસભામાં પ્રસ્તાવિત Delimitation Bill (સીમાંકન બિલ)ને લઈને દેશના રાજકારણમાં ચર્ચા તેજ બની છે. કેન્દ્ર સરકાર આગામી સપ્તાહે સંસદમાં આ બિલ રજૂ કરી શકે તેવી શક્યતા વચ્ચે વિપક્ષી INDIA ગઠબંધને તેનો વિરોધ કરવાની તૈયારી શરૂ કરી છે.
આ મુદ્દે વિપક્ષી પક્ષો સંયુક્ત રણનીતિ ઘડવા માટે શનિવારે (28 નવેમ્બર) બેઠક યોજવાના છે. જોકે, આ બેઠક પહેલાં જ ગઠબંધનના કેટલાક મહત્વના નેતાઓની ગેરહાજરી સામે આવી છે.
મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એટલે કે NCP-SPએ આજની બેઠકથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના સાંસદ નીલેશ લાંકે આ બેઠકમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરવાના હતા, પરંતુ તેઓ પુણેના તોરણા કિલ્લા ખાતે સફાઈ અભિયાનમાં ભાગ લેવા જવાના હોવાથી બેઠકમાં હાજર નહીં રહે.
આ પહેલાં NCP-SPના સાંસદ સુપ્રિયા સુળેએ પણ બેઠકમાં હાજરી આપી શકશે નહીં તેમ જણાવ્યું હતું. આમ, આજની બેઠકમાં NCP-SPનું કોઈ પ્રતિનિધિત્વ નહીં હોય.
સુપ્રિયા સુળેએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમના પિતા અને NCP-SPના પ્રમુખ શરદ પવાર હોસ્પિટલમાં દાખલ હોવાથી તેઓ મુંબઈમાં જ રહેશે. તેઓ 30 નવેમ્બરે દિલ્હી પહોંચીને સીધા સંસદની કાર્યવાહીમાં જોડાશે.
ખડગેએ બોલાવી વિપક્ષી નેતાઓની બેઠક, DMK અને AAPને પણ આમંત્રણ
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે સવારે 11:30 વાગ્યે નવી દિલ્હીના રાજાજી માર્ગ સ્થિત પોતાના નિવાસસ્થાને વિપક્ષી પક્ષોના સંસદીય નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય હેતુ સંસદના વિશેષ સત્ર પહેલાં સીમાંકન બિલ સહિતના મુદ્દાઓ પર વિપક્ષની એકસાથે રણનીતિ નક્કી કરવાનો છે.
આ બેઠકમાં INDIA ગઠબંધનના પક્ષો ઉપરાંત તમિલનાડુની DMK, આમ આદમી પાર્ટી (AAP) અને બીજુ જનતા દળ (BJD) સહિતના પક્ષોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલે પણ બેઠક યોજાવાની પુષ્ટિ કરી છે.
વિપક્ષની આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે કેન્દ્ર સરકાર મહિલા અનામતના અમલીકરણને વહેલું કરવા માટે સીમાંકન સાથે જોડાયેલું નવું બંધારણીય સુધારા વિધેયક લાવવાની તૈયારી કરી રહી છે.
દરમિયાન, NCP-SPના વલણને લઈને પણ વિપક્ષી ગઠબંધનમાં ચર્ચા છે. 27 નવેમ્બરે પાર્ટીના નેતા અને ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે જાહેરાત કરી હતી કે તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોમાં સમાન રીતે 50 ટકાનો વધારો કરવામાં આવે તો તેમની પાર્ટી સીમાંકન બિલને સમર્થન આપશે. આ જાહેરાત બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓએ અસંમતિ વ્યક્ત કરી છે. જોકે, બેઠકમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે અંગે અલગ-અલગ અહેવાલો સામે આવ્યા છે.
સંસદનું વિશેષ સત્ર 30 નવેમ્બરથી, 3 ડિસેમ્બર સુધી ચાલશે
કેન્દ્ર સરકારે સંસદના વિશેષ સત્ર માટે લોકસભા અને રાજ્યસભાની બેઠકો ફરી બોલાવી છે. લોકસભાની બેઠક 30 નવેમ્બરથી અને રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરથી શરૂ થશે. બંને ગૃહોમાં 3 ડિસેમ્બર સુધી કામકાજ પૂર્ણ કરવાની યોજના છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ આ અંગે માહિતી આપી છે.
સરકારના જણાવ્યા અનુસાર, આ વિશેષ બેઠકોમાં જરૂરી કાયદાકીય અને સંસદીય કામકાજ હાથ ધરવામાં આવશે. જોકે, સીમાંકન અને મહિલા અનામતને લગતા નવા કાયદાકીય પ્રસ્તાવો રજૂ થવાની શક્યતાને કારણે રાજકીય પક્ષોનું ધ્યાન આ સત્ર પર કેન્દ્રિત થયું છે.
શું છે સીમાંકન બિલ? લોકસભાની બેઠકોમાં 50 ટકાનો વધારો કરવાની દરખાસ્ત
સીમાંકન એટલે દેશ અથવા રાજ્યમાં ચૂંટણી માટેના મતવિસ્તારોની સીમાઓ નક્કી કરવાની અને જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા લોકસભા અને વિધાનસભાની બેઠકોના મતવિસ્તારોનું પુનર્ગઠન કરવામાં આવે છે. ભારતમાં આ કામગીરી માટે સીમાંકન પંચની રચના કરવામાં આવે છે. અત્યાર સુધી 1952, 1963, 1973 અને 2002માં ચાર વખત સીમાંકન પંચની રચના થઈ ચૂકી છે.
હાલ કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવ મુજબ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં હાલની સરખામણીએ 50 ટકાનો સમાન વધારો કરવાની જોગવાઈ છે. આ પ્રસ્તાવ અમલમાં આવે તો લોકસભાની હાલની 543 બેઠકો વધીને આશરે 815 થઈ શકે છે. આ સાથે રાજ્યો વચ્ચે બેઠકોનું હાલનું સાપેક્ષ પ્રમાણ વર્ષ 2051 સુધી જાળવી રાખવાની જોગવાઈ પણ પ્રસ્તાવિત છે.
આ મુદ્દો મહિલા અનામત સાથે પણ જોડાયેલો છે. સરકારનો હેતુ સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈનું અમલીકરણ વહેલું કરવાનો હોવાનું જણાવાયું છે.
આ માટે 131મા બંધારણીય સુધારા વિધેયકને બદલે સુધારેલી જોગવાઈઓ સાથે નવું 132મું બંધારણીય સુધારા વિધેયક લાવવાની તૈયારી છે. તેની સાથે સીમાંકન અંગેનું નવું વિધેયક પણ રજૂ થઈ શકે છે.
INDIA ગઠબંધન શા માટે કરી રહ્યું છે સીમાંકન બિલનો વિરોધ?
સીમાંકન બિલને લઈને વિપક્ષી પક્ષોની મુખ્ય ચિંતા એ છે કે તેના કારણે દેશનાં અલગ-અલગ રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોના પ્રતિનિધિત્વમાં અસમાનતા ઊભી થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ભારતનાં રાજ્યોને આશંકા છે કે વસ્તી નિયંત્રણમાં સફળતા મેળવ્યા બાદ પણ તેમને રાજકીય પ્રતિનિધિત્વના મામલે નુકસાન થઈ શકે છે.
વિપક્ષી પક્ષોએ આસામ અને જમ્મુ-કાશ્મીરમાં અગાઉ થયેલી સીમાંકન પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને મતવિસ્તારોની સીમાઓમાં રાજકીય લાભ માટે ફેરફાર થવાની આશંકા વ્યક્ત કરી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ભાજપ પર 2029ની લોકસભા ચૂંટણી પહેલાં પોતાના રાજકીય ફાયદા માટે દેશનો ચૂંટણી નકશો બદલવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસનું કહેવું છે કે સરકાર સીમાંકનને આગળ ધપાવવા માગે છે અને પાર્ટી આ પગલાનો વિરોધ કરશે. બીજી તરફ, કેન્દ્ર સરકારે વિપક્ષની આશંકાઓને નકારી કાઢી છે અને તમામ રાજ્યોમાં સમાન 50 ટકાનો વધારો કરવાની જોગવાઈનો બચાવ કર્યો છે.
એમ.કે. સ્ટાલિનની માંગણી: રાજ્યોનું પ્રતિનિધિત્વ 25 વર્ષ સુધી યથાવત્ રાખો
સીમાંકનના મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે તમિલનાડુને લોકસભામાં મળતું પ્રતિનિધિત્વ જાળવી રાખવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોનું જે સાપેક્ષ પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હતું, તેને આગામી 25 વર્ષ સુધી યથાવત્ રાખવું જોઈએ.
સ્ટાલિનના મતે, જે રાજ્યોએ વસ્તી નિયંત્રણ માટે અસરકારક પગલાં લીધાં છે, તેમને સીમાંકનના કારણે રાજકીય પ્રતિનિધિત્વમાં નુકસાન થવું જોઈએ નહીં. આ મુદ્દે તમિલનાડુની DMK પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી ચૂકી છે.
આમ, એક તરફ કેન્દ્ર સરકાર મહિલા અનામતના અમલીકરણને વહેલું કરવા અને લોકસભાની બેઠકો વધારવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો રાજ્યોના પ્રતિનિધિત્વ અને સીમાંકનની પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. હવે સંસદના વિશેષ સત્રમાં આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે કેવો અભિગમ સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.
