ભારતીય વાયુસેનાના મિગ-21 ફાઇટર પ્લેન આખરે નિવૃત્ત થઈ ગયા છે. તે વાયુસેનાના ઇતિહાસનો એક ભાગ બની ગયા છે. ચંદીગઢના વાયુસેના બેઝ પર આયોજિત એક સમારોહમાં આ વિમાનોને વિદાય આપવામાં આવી હતી, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યા હતા. મિગ-21 ની નિવૃત્તિ પછી, પ્રશ્ન ઊભો થાય છે: હવે આ વિમાનોનું શું થશે? ચાલો જાણવાનો પ્રયાસ કરીએ કે આ વિમાનો પહેલા ક્યારે નિવૃત્ત થયા હતા અને તેમનું શું થયું. તેમના સ્થાને કેટલા હાઇ-ટેક વિમાનોને દળમાં સામેલ કરવામાં આવ્યા હતા? આ ઘટનાએ ભારતના લશ્કરી ઇતિહાસના સૌથી લાંબા અને સૌથી વીરતાપૂર્ણ અધ્યાયોમાંનો એક અધ્યાય પૂરો કર્યો. 1963માં પ્રથમ વાર સેવામાં આવ્યા બાદ 1200થી વધુ મિગ-21 વિમાનોએ ભારતની આકાશી સરહદોનું રક્ષણ કર્યું હતું અને 1965, 1971, અને 1999 કારગિલ જેવા યુદ્ધો તથા 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી
સોવિયેત ખોજ ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ બની
મિગ-21 દુનિયાનું સૌથી વધુ પ્રચલિત સુપરસોનિક ફાઇટર વિમાન બની ગયું હતું. 60થી વધુ દેશોની વાયુસેનાઓમાં તેનો દબદબો હતો. 1962ના ભારત-ચીન યુદ્ધ પછી વાયુસેનાની ક્ષમતા વધારવાના ભાગરૂપે ભારતે 1963માં સોવિયેત યુનિયન સાથે કરાર કરીને પહેલા 13 નંગ મિગ-21 (MiG-21F-13s) વિમાનોની ખરીદી કરી હતી. આ વિમાનોની તાલીમ માટે ચંડીગઢમાં પહેલું સ્ક્વોડ્રન તહેનાત કરવામાં આવ્યું હતું. 1966 થી 1984 દરમિયાન, ભારતે વિવિધ મોડેલના કુલ 874 વિમાનોની આયાત કરી હતી અને નાસિક સ્થિત ‘હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ’ (HAL) ખાતે તેનું લાઇસન્સ-નિર્માણ પણ શરૂ કર્યું હતું.

પાયલટનો હવાઈ સાથી: તેજ ગતિ અને ઉચ્ચ ક્ષમતા
મિગ-21ને ઉડાડનારા પાયલટ્સ માટે તે કેવળ એક વિમાન નહોતું, પણ એક વિશ્વસનીય સાથી હતું. તેની મહત્તમ ગતિ મેક 2 (અવાજની ગતિ કરતાં બમણી) અને 18,000 મીટર (59,000 ફૂટ) સુધી પહોંચવાની ક્ષમતા તેને એક ઘાતક ઇન્ટરસેપ્ટર બનાવતી.
કોકપિટમાં પાયલટને ખૂબ ગરમી લાગતી
મિગ-21ની કોકપિટની ડિઝાઇન આરામદાયક નહોતી. રશિયાના ઠંડા હવામાનને ધ્યાનમાં રાખીને બનાવેલી એર-કન્ડીશનિંગ સિસ્ટમ ભારતના ગરમ હવામાન માટે અપૂરતી હતી, જેના કારણે ઓછી ઊંચાઈએ ઉડાન દરમિયાન કોકપિટમાં પાયલટને ખૂબ ગરમી લાગતી.

1971 ના યુદ્ધમાં આલેખ્યો સુવર્ણ અધ્યાય
મિગ-21ની સૌથી શાનદાર સફળતા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જોવા મળી હતી. ઉપખંડના પહેલા સુપરસોનિક એર કોમ્બેટમાં ભારતીય વાયુસેનાના મિગ-21એ હવામાં સર્વોપરિતા સ્થાપિત કરીને પાકિસ્તાની વાયુસેનાના (અમેરિકન બનાવટના) એફ-104 સ્ટારફાઇટર વિમાન સહિત અનેક અન્ય ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા. મિગ-21 દુશ્મન દેશને એટલી હદે ભારે પડ્યા હતા કે એ પછી પાકિસ્તાને તેના બધા જ એફ-104 વિમાનોને યુદ્ધક્ષેત્રથી દૂર કરી દીધા હતા. મલ્ટિ-રોલ મિગ-21એ હવાઈ કરતબો કરવા ઉપરાંત રાત્રિ સમયે ઓછી ઊંચાઈએ ઊડાન ભરીને પાકિસ્તાની જમીન પર હુમલા કરવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
મિગ-21ની નિવૃત્તિએ સર્જ્યો ખાલીપો
મિગ-21ની નિવૃત્તિને લીધે ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા 31 પર આવી ગઈ છે, જ્યારે કે આદર્શ સંખ્યા 42 છે. આ ખાલીપો ભરવા માટે દેશની વાયુસેના પાસે હાલમાં સ્વદેશી તેજસ, ફ્રેંચ બનાવટના રાફેલ અને રશિયન સુખોઈ જેવા આધુનિક વિમાનો છે ખરા, છતાં કહેવું પડે કે ભારતના સૈન્ય ઈતિહાસમાં મિગ-21 નો ફાળો અનન્ય છે. આ યુદ્ધવિમાને ભારત-રશિયા વચ્ચેના દાયકાઓ જૂના લશ્કરી સહયોગને મજબૂત બનાવ્યો છે. છ દાયકાથી વધુ સમય સુધી ભારતના આકાશી સીમાડાનું રક્ષણ કરનાર મિગ-21 નું નામ દેશના વાયુસેનાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ ચૂક્યું છે. ચંડીગઢમાં જ્યાં 1963માં પહેલું મિગ-21 સ્ક્વોડ્રન તહેનાત થયું હતું, ત્યાં જ તેની છેલ્લી ઉડાનનું આયોજન કરીને ભારતે આ શૌર્યવાન યુદ્ધવિમાનને યથાયોગ્ય અંજલિ આપી છે.