વર્ષ 2026 અને 2027 દરમિયાન વિશ્વએ અત્યાર સુધીની સૌથી ભયાનક ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલો અલ-નીનો 19મી સદી પછીનો સૌથી શક્તિશાળી અલ-નીનો બની શકે છે. આ વખતે પૂર્વ પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ સપાટીનું તાપમાન સામાન્ય કરતાં લગભગ 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જે સામાન્ય અલ-નીનોમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ વધતું હોય છે.

વૈશ્વિક હવામાન અને ભારતીય ચોમાસા પર અસર

અલ-નીનોના કારણે સમુદ્રની વધારાની ગરમી વાતાવરણમાં ભળતાં હવા અને વરસાદની વૈશ્વિક પેટર્ન બદલાઈ જાય છે. આ ફેરફારોને કારણે વિશ્વના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાશે, જ્યારે અન્ય વિસ્તારોમાં ગંભીર દુષ્કાળ અને કાળઝાળ ગરમી પડશે. ભારત માટે પણ આ સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે મજબૂત અલ-નીનો સામાન્ય રીતે નબળા ચોમાસા સાથે જોડાયેલો હોય છે.

2026 અથવા 2027 બની શકે છે સૌથી ગરમ વર્ષ

સમુદ્રની ગરમીની સંપૂર્ણ અસર પૃથ્વીના વાતાવરણ પર દેખાવામાં થોડો સમય લાગતો હોવાથી, 2026 અથવા 2027 તાપમાનના તમામ જૂના રેકોર્ડ તોડી શકે છે. વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન પહેલાથી જ ઊંચું છે, ત્યારે આ અલ-નીનો તાપમાનને વધુ ખતરનાક સ્તરે લઈ જશે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે 2027માં વૈશ્વિક તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તર કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ વધી શકે છે.

આ પણ વાંચો : Abhijeet Dipke સહિત 5 લોકો સામે કેસ દાખલ, સરકારી શાળા પર દેખાડો કરવાના લગાવ્યા આરોપ