દેશના રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ને હવે રાષ્ટ્રગાન 'જન ગણ મન' સમાન જ કાનૂની સંરક્ષણ મળશે. લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ, મંગળવાર (11 ઓગસ્ટ)ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 'રાષ્ટ્રીય સન્માનના અપમાનની અટકાયત (સુધારા) બિલ, 2026'ને મંજૂરી આપી દેતાં હવે તે કાયદો બની ગયો છે. આ નવા કાયદા હેઠળ વંદે માતરમ ગાતા અટકાવવું અથવા તેના ગાયન દરમિયાન દખલગીરી કરવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાશે.
15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પ્રથમ વાર ગવાશે રાષ્ટ્રગીત
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર, આગામી 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પ્રથમ વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી 'વંદે માતરમ' ગાવવામાં આવશે. અગાઉ રાષ્ટ્રીય અપમાન નિવારણ કાયદા હેઠળ માત્ર રાષ્ટ્રગાનના અપમાન બદલ જ ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દંડની જોગવાઈ હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પણ 24 જાન્યુઆરી 1950ના રોજ બંકિમચંદ્ર ચેટર્જી રચિત વંદે માતરમને રાષ્ટ્રગાન સમાન જ દર્જો અને સન્માન આપવાની વાત કહી હતી.
