Delhiમાં આગામી કેટલાક દિવસોમાં ભારે ગતિવિધિઓ જોવા મળશે. BRICS સમિટ માટે રશિયા અને ચીન સહિત અનેક મોટા દેશોના નેતાઓ દિલ્હી પહોંચવાના છે. જોકે, સૌની નજર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ પર છે. પુતિનના દિલ્હી પ્રવાસ દરમિયાન હથિયારો અને સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. રશિયા પોતાની સાથે નવી પેઢીનું જેટ એન્જિન પણ લાવી રહ્યું છે. આ ઉપરાંત ઘાતક બ્રહ્મોસ મિસાઇલને વધુ અપગ્રેડ કરવાની યોજના પર પણ વિચારણા થઈ રહી છે.

બ્રહ્મોસ મિસાઇલને વધુ શક્તિશાળી બનાવવાની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત પહેલાં ભારત અને રશિયાએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલને અપગ્રેડ કરવાની તૈયારીના સંકેત આપ્યા છે. તેનો હેતુ મિસાઇલને વધુ અસરકારક બનાવવાનો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેને વધુ સ્પર્ધાત્મક બનાવવાનો છે.

પુતિનના પ્રવક્તાએ શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે મંગળવારે કહ્યું કે, ભારત અને રશિયા મળીને બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું ઉત્પાદન કરી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે આ મિસાઇલને વધુ સારી બનાવવામાં આવે. તેમાં કેટલીક નવી ક્ષમતાઓ પણ ઉમેરવામાં આવે. BRICS શિખર સંમેલન 2026નું આયોજન નવી દિલ્હીમાં થઈ રહ્યું છે અને તે 12-13 સપ્ટેમ્બરે યોજાશે.

બ્રહ્મોસ મિસાઇલમાં શું ફેરફાર થશે?

પેસ્કોવે જણાવ્યું કે બંને દેશ બ્રહ્મોસ મિસાઇલમાં નવી સુવિધાઓ અને વધારાની ક્ષમતાઓ ઉમેરવા માટે કામ કરી શકે છે. તેનો હેતુ મિસાઇલને વધુ અસરકારક બનાવવાની સાથે વૈશ્વિક હથિયાર બજારમાં તેની સ્પર્ધા વધારવાનો છે. બ્રહ્મોસ ભારત અને રશિયાનો સંયુક્ત સંરક્ષણ પ્રોજેક્ટ છે. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ જમીન, સમુદ્ર અને હવામાંથી લોન્ચ કરી શકાય તેવા અલગ-અલગ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

દિલ્હી ખાતે મોદી-પુતિનની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત શુક્રવારે નવી દિલ્હીમાં BRICS સંમેલન દરમિયાન થવાની છે. ખાસ વાત એ છે કે લગભગ એક મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી દ્વિપક્ષીય મુલાકાત હશે.

ભારત માટે બ્રહ્મોસ કેમ મહત્વની છે?

બ્રહ્મોસ ભારતની સૌથી મહત્વપૂર્ણ સંયુક્ત સંરક્ષણ પરિયોજનાઓમાંથી એક છે. તેની ઝડપી સુપરસોનિક ગતિ, ચોક્કસ નિશાન સાધવાની ક્ષમતા અને અલગ-અલગ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરવાની સુવિધા તેને મહત્વપૂર્ણ હથિયાર બનાવે છે. હવે બંને દેશો તેને નવી પેઢીની ક્ષમતાઓ સાથે વધુ શક્તિશાળી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રશિયા હજુ પણ ભારતનો મોટો હથિયાર સપ્લાયર

SIPRIના આંકડા મુજબ, 2021થી 2025 દરમિયાન ભારતના મોટા હથિયારોની આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ 40 ટકા રહ્યો હતો. આ પહેલાંના પાંચ વર્ષમાં રશિયાનો હિસ્સો લગભગ 51 ટકા હતો. એટલે કે ભારતે હથિયારો માટે રશિયા પરની પોતાની નિર્ભરતા ઘટાડી છે. જોકે, બ્રહ્મોસ જેવા સંયુક્ત પ્રોજેક્ટ બંને દેશો વચ્ચેના ગાઢ સંરક્ષણ સંબંધોને દર્શાવે છે.

મોદી-પુતિનની મુલાકાત પર સૌની નજર

હવે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત પર રહેશે. આ મુલાકાત દરમિયાન બ્રહ્મોસના અપગ્રેડ ઉપરાંત નવી સંરક્ષણ ટેક્નોલોજી, સંયુક્ત ઉત્પાદન અને ભવિષ્યમાં ભારત-રશિયા વચ્ચેના સંરક્ષણ સહયોગ અંગે મહત્વના નિર્ણયો સામે આવી શકે છે.

આ પણ વાંચો:  ફિલિપાઈન્સ બાદ હવે થાઈલેન્ડ પણ ખરીદશે 'બ્રહ્મોસ' મિસાઈલ