ભારત અને રશિયાના સંયુક્ત સહયોગથી વિકસિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ વૈશ્વિક સ્તરે સતત લોકપ્રિય બની રહી છે. ફિલિપાઈન્સ સાથેના સફળ કરાર બાદ હવે થાઈલેન્ડ પણ આ અદ્યતન એન્ટી-શિપ મિસાઈલ ખરીદવામાં રસ દાખવી રહ્યું હોવાનું જાણવા મળે છે. હાલ બંને દેશો વચ્ચે પ્રાથમિક સ્તરે ચર્ચા ચાલી રહી છે.

થાઈલેન્ડની બ્રહ્મોસમાં વધતી રસદારી

થાઈલેન્ડ લાંબા સમયથી સંતુલિત વિદેશ અને રક્ષા નીતિ અપનાવતું આવ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વ્યૂહાત્મક તણાવ વચ્ચે તે કોઈ એક દેશ પર સંપૂર્ણ નિર્ભર રહેવા માંગતું નથી. ચીન સાથે સારા વેપારી અને આર્થિક સંબંધો હોવા છતાં થાઈલેન્ડ પોતાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારત જેવા વિશ્વસનીય ભાગીદાર પાસેથી આધુનિક રક્ષા ટેકનોલોજી મેળવવા ઈચ્છે છે.

બ્રહ્મોસ મિસાઈલ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ

બ્રહ્મોસ મિસાઈલ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાંની એક માનવામાં આવે છે. તે મેક 2.8થી મેક 3ની ઝડપે નિશાન ભેદી શકે છે, જેના કારણે દુશ્મનને પ્રતિક્રિયા આપવા માટે ખૂબ ઓછો સમય મળે છે. તેની સચોટ નિશાન સાધવાની ક્ષમતા તેને અત્યંત અસરકારક બનાવે છે. ઉપરાંત, આ મિસાઈલને જહાજ, સબમરીન, લડાકુ વિમાન તેમજ જમીન પરના મોબાઈલ લોન્ચર પરથી પણ પ્રક્ષેપિત કરી શકાય છે. તેનો એન્ટી-શિપ વેરિઅન્ટ દુશ્મનના યુદ્ધજહાજો અને નૌકાદળ માટે ગંભીર ખતરો માનવામાં આવે છે.

ભારત-થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય રક્ષા સહકારને પણ નવી દિશા મળશે

જો થાઈલેન્ડ સાથે બ્રહ્મોસનો સોદો સફળ થાય છે તો ભારતના રક્ષા નિકાસ ક્ષેત્રને દક્ષિણ-પૂર્વ એશિયામાં વધુ મજબૂતી મળશે. સાથે જ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય રક્ષા સહકારને પણ નવી દિશા મળશે. જોકે, હાલ ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે, છતાં આ વિકાસ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશો પોતાની સુરક્ષા ક્ષમતાઓ વધારવા માટે આધુનિક અને વિશ્વસનીય વિકલ્પોને પ્રાથમિકતા આપી રહ્યા હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે.

આ પણ વાંચો :CJPના 1 કરોડના ભંડોળ પર હોબાળો, સુરતના RTI કાર્યકર્તાએ ECI અને CBICમાં નોંધાવી ફરિયાદ